<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

વૈષ્ણોદેવીના ભક્તો પર માની મહેર: હવે 10 લાખનો મફત વીમો અને કટરામાં બનશે અત્યાધુનિક ‘શક્તિ સંગ્રહાલય’!

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રાઇન બોર્ડનો ઐતિહાસિક નિર્ણય: યાત્રાળુઓની સુરક્ષા કવચમાં મોટો ઉછાળો : સ્થાનિક યુવાનો માટે મફત NEET કોચિંગ અને બે વર્ષમાં તૈયાર થશે આંતરરાષ્ટ્રીય સ્તરનું આધ્યાત્મિક કેન્દ્ર : પ્રસાદની ખરીદીમાં સ્થાનિકોને અપાશે પ્રાથમિકતા

જમ્મુ :  મા વૈષ્ણોદેવીના ભક્તો માટે વર્ષ 2026ની શરૂઆત અત્યંત શુભ અને ભક્તિમય રહી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી શ્રાઇન બોર્ડની બેઠકમાં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે લેન્ડમાર્ક નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે દરબારમાં આવતા દરેક યાત્રાળુને ₹10 લાખનું મફત વીમા કવચ પૂરૂ પાડવામાં આવશે, જે અગાઉના કવચ કરતા ઘણું વધારે છે. આ ઉપરાંત, ભક્તોને માના ઈતિહાસ અને શક્તિપીઠના મહિમાથી માહિતગાર કરવા માટે કટરાના નાતાલી વિસ્તારમાં એક ભવ્ય ‘વૈશ્વિક આધ્યાત્મિક સંગ્રહાલય’ બનાવવાની દરખાસ્તને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ સંગ્રહાલયમાં અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા પૌરાણિક કથાઓને જીવંત કરવામાં આવશે.

આ બેઠક માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક રીતે પણ ક્રાંતિકારી સાબિત થઈ છે. શ્રાઇન બોર્ડે કટરા અને આસપાસના વિસ્તારના તેજસ્વી યુવાનો માટે મફત NEET કોચિંગ સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે. સાથે જ, યાત્રા માર્ગ પર કાર્યરત ઘોડા અને ખચ્ચર માલિકોના પુનર્વસન માટે તબક્કાવાર યોજના અમલમાં મુકવાની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. શ્રાઇન બોર્ડમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક યુવાનોમાં રોજગારીની આશા જાગી છે.

માતાના દરબારમાં અપાતા પ્રસાદ અને અન્ય પૂજા સામગ્રીની ખરીદીમાં હવે સ્થાનિક મહિલાઓ, સ્વ-સહાય જૂથો અને નાના ઉદ્યોગસાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ નિર્ણયથી પ્રાદેશિક અર્થતંત્રને મોટું બળ મળશે અને સમુદાયનો વિકાસ થશે. કટરા શહેરને આધુનિક માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા માટે બોર્ડે વિશેષ બજેટ અને વ્યૂહરચના તૈયાર કરી છે. આગામી બે વર્ષમાં કટરા માત્ર એક યાત્રાધામ જ નહીં, પણ પરંપરા અને નવીનતાના સંગમ સમાન એક વિશ્વ-પ્રસિદ્ધ પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

(11:00 PM IST)