<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

૪૫ વર્ષ પહેલા ૧૦૦ રૂપિયાના ઘઉંની ચોરી કરી હતીઃ આરોપી હવે પકડાયો

ખરગોન,તા.૦૯: મધ્‍ય પ્રદેશના ખરગોન જિલ્‍લામાંથી એક વૃદ્ધ વ્‍યક્‍તિને લગભગ ૪૫ વર્ષ પહેલા ઘઉં ચોરીના એક કેસમાં ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે જાણકારી આપી છે. મંડલેશ્વરની અનુવિભાગીય પોલીસ અધિકારી શ્વેતા શુક્‍લાએ રવિવારે જણાવ્‍યું કે, સલીમ અને તેના અન્‍ય છ સાથીદારોએ ૧૯૮૦માં બાલસમુંદના કાકડ વિસ્‍તારમાં ખેતરમાંથી ઘઉં ચોરી લીધા હતા. તેમણે કહ્યું કે તે સમયે સલીમ ૨૦ વર્ષનો હતો.

અધિકારીએ જણાવ્‍યું કે, ચોરી કરેલા ઘઉંની કિમત ૧૦૦ રૂપિયા હતી અને તે સમયે એક ક્‍વિંટલ (૧૦૦ કિલો) સારી ક્‍વોલિટીના ઘઉંની કિંમત ૧.૨૫ રૂપિયા પ્રતિ કિલો હતી. એસડીઓપીએ જણાવ્‍યું કે, બલકવાડા વિસ્‍તારના બલખડ ગામના રહેવાસી સલીમ ચોરી બાદ ભાગી ગયો અને પાડોશી ધાર જિલ્‍લાના બાગ વિસ્‍તારમાં પોતાના દીકરા સાથે કરિયાણાની દુકાન ચલાવવા લાગ્‍યો. તેમણે કહ્યું કે આ કેસ કોર્ટમાં પેન્‍ડિંગ રહ્યો, જ્‍યારે સલીમ વિરુદ્ધ વોરન્‍ટ ચાલુ હતું.

ખલટકા વિસ્‍તારના પ્રભારી મિથુન ચૌહાણે જણાવ્‍યું કે, એક અન્‍ય આરોપીની શોધ દરમિયાન પોલીસને જાણવા મળ્‍યું કે, સલીમ કરિયાણાની દુકાન દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યો છે. ઓળખની પુષ્ટિ થયા બાદ શનિવારે તેની ધરપકડ કરી લીધી.

મિથુન ચૌહાણે કહ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્‍યું કે, તેમનું માનવું હતું કે, આટલા વર્ષો બાદ કેસને ભુલાવી દીધો હશે અને તે કાનૂની કાર્યવાહીથી બચતો ગયો. ચૌહાણે જણાવ્‍યું કે સલીમને અહીં એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો, જ્‍યાં તેને ન્‍યાયિક ધરપકડમાં મોકલી દીધો છે

(9:47 AM IST)