News of Monday, 9th February 2026
અમેરિકા દ્વારા ભારતને મોટી ભેટ: ઓઇલ ખરીદી ઉપર પેનલ્ટી પેટે વસૂલેલા ૨૫ ટકા ટેરિફની કરોડોની રકમ હવે ભારતને પરત મળશે
ભારતીય નિકાસકારો મોટી રાહત: ટ્રમ્પ પ્રશાસને વસૂલેલો દંડ રિફંડ કરવાનો લીધો ઐતિહાસિક નિર્ણય; નિકાસકારોમાં ખુશીની લહેર : ઓગસ્ટ ૨૦૨૫ થી અત્યાર સુધી ભરેલી ૨૫ ટકા પેનલ્ટીની રકમ પરત આપવા વ્હાઇટ હાઉસનો આદેશ: કુલ ટેરિફ પણ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો છે

વોશિંગ્ટન: ભારત અને અમેરિકાના વ્યાપારિક સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો હોય તેમ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલ ૨૫ ટકા વધારાના ટેરિફ (પેનલ્ટી) ને પાછો ખેંચવાની સાથે અત્યાર સુધી વસૂલવામાં આવેલી રકમ પણ પરત (રિફંડ) કરવાની મોટી જાહેરાત કરી છે.
‘અંગ્રેજી ભાસ્કર’ અને ‘દૈનિક દિવ્ય ભાસ્કર’ ના અહેવાલો મુજબ, આ નિર્ણયથી ભારતના હીરા, કાપડ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિકાસકારોને કરોડો રૂપિયાનું રિફંડ મળશે, જે તેમના માટે એક મોટી આર્થિક રાહત સાબિત થશે.
અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે ઓગસ્ટ ૨૦૨૫ થી ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં જે ભારતીય નિકાસકારોએ ૨૫ ટકા વધારાનો પેનલ્ટી ટેરિફ ચૂકવ્યો છે, તેઓને આ રકમ પરત કરવામાં આવશે. આ માટે અમેરિકાના કસ્ટમ્સ વિભાગ દ્વારા ટૂંક સમયમાં એક ઓનલાઇન પોર્ટલ અથવા પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેના દ્વારા નિકાસકારો પોતાના રિફંડના ક્લેમ (દાવો) કરી શકશે.
ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખવાને પગલે ટ્રમ્પ પ્રશાસને ભારત પર ૨૫ ટકા વધારાનો ‘દંડાત્મક ટેરિફ’ લાદ્યો હતો. જેના કારણે ભારતીય માલ અમેરિકામાં મોંઘો પડતો હતો અને નિકાસને માઠી અસર પડી હતી.
જોકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની તાજેતરની ટેલિફોનિક વાતચીત અને રાજદ્વારી સમજૂતી બાદ અમેરિકાએ આ આકરો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
સમજૂતીના મુખ્ય મુદ્દાઓ:
* રિફંડની જોગવાઈ: ૨૫ ટકાની વધારાની રકમ નિકાસકારોના ખાતામાં પરત જમા થશે.
* ટેરિફમાં ઘટાડો: ભારતીય ઉત્પાદનો પરનો કુલ ટેરિફ જે ૫૦ ટકા (૨૫% રેસિપ્રોકલ + ૨૫% પેનલ્ટી) હતો, તે હવે ઘટીને માત્ર ૧૮ ટકા થઈ જશે.
* ભારતનું વચન: ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં કાપ મૂકીને અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરના ઊર્જા અને અન્ય સંસાધનો ખરીદવા સંમતિ આપી છે.
ગુજરાતના ઉદ્યોગોને બખ્ખાં: અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ પોઝિટિવ અસર ગુજરાતના સુરત અને અમદાવાદના ઉદ્યોગો પર પડશે.
સુરતનો હીરા ઉદ્યોગ જે મંદીનો સામનો કરી રહ્યો હતો, તેને હવે ૨૫ ટકા પેનલ્ટી રિફંડ મળતા અને ટેરિફ ઘટતા નવો પ્રાણ મળશે.
તેવી જ રીતે મોરબીના સિરામિક અને રાજકોટના એન્જિનિયરિંગ પાર્ટ્સના નિકાસકારોને પણ મોટો આર્થિક ફાયદો થશે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
