<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

મણિપુરમાં ફરી હિંસાઃ ઉખરૂલમાં ઉગ્રવાદીઓનો કહેરઃ અનેક ઘરો રાખમાં ફેરવાયા

ભારે પથ્‍થરમારા અને ગોળીબારને કારણે આખું ગામ રણમેદાનમાં ફેરવાયું

ઇમ્‍ફાલ, તા.૯: મણિપુરના ઉખરુલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પરિસ્‍થિતિ અત્‍યંત સ્‍ફોટક બની છે, જ્‍યાં લિટન સરીખોંગ વિસ્‍તારમાં સશષા ઉગ્રવાદીઓએ અંધાધૂંધ હુમલો કરી તાંગખુલ નાગા સમુદાયના અનેક રહેણાંક મકાનોને આગને હવાલે કરી દીધા છે. આ હિંસાની શરૂઆત રવિવારે એક નાગા યુવક પર થયેલા હુમલા બાદ થઈ હતી, જેણે જોતજોતામાં કોમી રમખાણનું સ્‍વરૂપ ધારણ કરી લીધું. મોડી રાત્રે કુકી અને નાગા સમુદાયો વચ્‍ચે થયેલા ભારે પથ્‍થરમારા અને ગોળીબારને કારણે આખું ગામ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. વહીવટીતંત્રે તાત્‍કાલિક અસરથી કરફયુ લાદી દીધો છે, તેમ છતાં બંને પક્ષે સંપત્તિના નુકસાનના અહેવાલોથી સમગ્ર રાજ્‍યમાં ભયનો માહોલ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ચોંકાવનારા વીડિયો ફૂટેજમાં અત્‍યાધુનિક હથિયારોથી હવામાં ફાયરિંગ કરતા અને વાહનોને સળગાવતા સ્‍પષ્ટ જોઈ શકાય છે. મુખ્‍યમંત્રી વાય. ખેમચંદ સિંહે હોસ્‍પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી અને જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ જમીની સ્‍તર પર સ્‍થિતિ હજુ પણ તંગ છે. લિટન પોલીસ સ્‍ટેશન પાસે પણ હિંસક ટોળાઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્‍યો હોવાના અહેવાલ છે, જેના પગલે સુરક્ષા દળોએ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. હાલમાં મહાદેવ અને શાંગકાઈ જેવા સંવેદનશીલ વિસ્‍તારોમાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

સૌથી દુઃખદ પાસું એ છે કે આ હિંસા રોકવા માટે કરવામાં આવેલા તમામ પરંપરાગત શાંતિ પ્રયાસો નિષ્‍ફળ રહ્યા છે. અગાઉ ગ્રામ્‍ય વડાઓ વચ્‍ચે સમાધાનની વાતો ચાલી હતી, પરંતુ તે બેઠક યોજાય તે પહેલા જ હિંસા ફાટી નીકળી. જિલ્લા મેજિસ્‍ટ્રેટ આશિષ દાસે સ્‍પષ્ટ આદેશ આપ્‍યો છે કે કોઈ પણ વ્‍યક્‍તિએ ઘરની બહાર નીકળવું નહીં, કારણ કે નાગા અને કુકી સમુદાય વચ્‍ચેનો આ તણાવ આખા જિલ્લાની શાંતિને જોખમમાં મૂકી શકે છે. અત્‍યારે સુરક્ષા એજન્‍સીઓ શંકાસ્‍પદ ઉગ્રવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ મણિપુરમાં ફરી ભડકેલી આ આગે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે.

(3:33 PM IST)