News of Monday, 9th February 2026
મહારાષ્ટ્રમાં ભાજપનો ‘મહા-વિજય': ગ્રામીણ ગઢમાં પણ કેસરીયો લહેરાયોઃ વિપક્ષી ગઠબંધનનો સફાયો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે જાળવી રાખી બાદશાહતઃ ૧૨ જિલ્લા પરિષદોમાંથી સાત પર ભાજપનો દબદબોઃ શિંદે અને અજિત પવાર જૂથે પણ બતાવી તાકાતઃ કોંગ્રેસ અને અન્ય પક્ષોના સૂપડા સાફ

મુંબઈ, તા.૯: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભાજપની ચાણકય નીતિ સફળ થતી જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બાદ હવે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના વલણોએ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર શહેરો જ નહીં, પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપની પકડ વધુ મજબૂત બની છે. ૧૨ જિલ્લા પરિષદોની મતગણતરીના તાજેતરના વલણો મુજબ, ભાજપ સાત બેઠકો પર સ્પષ્ટ સરસાઈ સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતાએ વડાપ્રધાન મોદીના નેતળત્વ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પર ફરી એકવાર મહોર મારી છે.
આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત મહાયુતિ ગઠબંધનનો વિજયી રથ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની NCPએ બબ્બે જિલ્લા પરિષદોમાં લીડ મેળવીને વિરોધીઓને સ્તબ્ધ કરી દીધા છે. આ ગઠબંધને સાથે મળીને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીના પાયા હચમચાવી દીધા છે. શિંદે જૂથની પકડ ગ્રામીણ મહારાષ્ટ્રમાં વધી રહી છે, જે ઉદ્ધવ ઠાકરે માટે ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, અજિત પવાર જૂથે સાબિત કર્યું છે કે NCPના પરંપરાગત વોટબેંક પર આજે પણ તેમનો પ્રભાવ અકબંધ છે.
વિપક્ષી છાવણીમાં હાલમાં સોપો પડી ગયો હોય તેવું વાતાવરણ છે. કોંગ્રેસ માત્ર એક જિલ્લા પરિષદમાં આગળ રહીને પોતાની લાજ બચાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે અન્ય પ્રાદેશિક પક્ષો પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યા છે. પંચાયત સમિતિ સ્તરે પણ ભાજપનો દબદબો યથાવત છે, જે આગામી વિધાનસભા ચૂંટણી માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ વલણો અંતિમ પરિણામોમાં ફેરવાશે, તો મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ અજેય બની જશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
