News of Monday, 9th February 2026
આસામ ભાજપના 'શૂટ' વીડિયોથી રાજકીય તોફાન: મુખ્યમંત્રી હિમંતા શર્માનો વિવાદાસ્પદ વીડિયો ડિલીટ કરાયો, કોંગ્રેસે કહ્યું- 'આ તો નરસંહારનું આહ્વાન!'
વિધાનસભા ચૂંટણી પહેલા આસામમાં નફરતની રાજનીતિ ચરમસીમાએ; સફેદ ટોપી અને દાઢીવાળા શખ્સના ફોટા પર બંદૂક તાકતા CM ના વીડિયોએ ખળભળાટ મચાવ્યો.

ગુવાહાટી, તા. 9: આસામમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના એક સોશિયલ મીડિયા વીડિયોએ રાજ્યના રાજકારણમાં ભારે વિવાદ છેડી દીધો છે. આસામ ભાજપના સત્તાવાર 'X' હેન્ડલ પરથી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કથિત રીતે મુસ્લિમ પહેરવેશ ધરાવતી વ્યક્તિઓના ફોટા પર બંદૂક તાકતા દેખાતા હતા. વિપક્ષોના ભારે આક્રોશ અને સોશિયલ મીડિયા પર ટીકાઓનો મારો ચાલતા આખરે ભાજપે આ વીડિયો ડિલીટ કરવાની ફરજ પડી છે.
શું હતું વીડિયોમાં?
શનિવારે અપલોડ કરાયેલા આ વીડિયોમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પ્રતીકાત્મક રીતે 'પોઈન્ટ બ્લેન્ક રેન્જ' પરથી ગોળીબાર કરતા બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં નિશાન પર કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈનો ફોટો હતો, જેમને સફેદ ટોપી પહેરેલી બતાવવામાં આવ્યા હતા, અને તેમની બાજુમાં અન્ય એક દાઢીવાળો શખ્સ ઉભો હતો. વીડિયોમાં 'પોઈન્ટ બ્લેન્ક શૂટ' જેવા કેપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સીધો લઘુમતી સમુદાયને નિશાન બનાવતો હોવાનો આક્ષેપ થયો છે.
કોંગ્રેસનો આકરો પ્રહાર: "ન્યાયતંત્રે દખલ કરવી જોઈએ"
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ વીડિયોને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, "આ કોઈ સામાન્ય ટ્રોલ સામગ્રી નથી, પરંતુ ઉપરથી ફેલાવવામાં આવેલું ઝેર છે. આ નરસંહારના આહ્વાન સમાન છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પીએમ મોદી આ મામલે મૌન રહેશે પરંતુ ન્યાયતંત્રે આ ફાસીવાદી માનસિકતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
ચૂંટણી પહેલા ધ્રુવીકરણની રમત?
આસામમાં માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિશ્લેષકો અને વકીલોનું માનવું છે કે આ પ્રકારના વીડિયો દ્વારા ભાજપ જાણીજોઈને મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રી શર્મા અગાઉ પણ બંગાળી મૂળના મુસ્લિમો (મિયા મુસ્લિમો) વિરુદ્ધ આકરા નિવેદનો આપીને વિવાદમાં રહી ચૂક્યા છે.
જોકે, વીડિયો ડિલીટ કરવા છતાં સોશિયલ મીડિયા પર તેની ક્લિપ્સ વાયરલ થઈ રહી છે અને વિપક્ષ આ મુદ્દે હવે ચૂંટણી પંચ સુધી જવાની તૈયારી કરી રહ્યો હોય તેમ જણાય છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
