<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ક્રિકેટના મેદાનમાં મોટો ડ્રામા: બાંગ્લાદેશે પાકિસ્તાનને કહ્યું- ‘ભારત સામેની મેચનો બહિષ્કાર છોડો’, શું ૧૫ ફેબ્રુઆરીએ હાઈ-વોલ્ટેજ જંગ જામશે?

T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની ‘એકતા’માં નવો વળાંક; આઈસીસીના દબાણ અને શ્રીલંકા-યુએઈની વિનંતી બાદ પીસીબી નરમ પડે તેવી શક્યતા

લાહોર:  ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટના મેદાનમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૫ ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહામુકાબલા પર તોળાઈ રહેલા બહિષ્કારના વાદળો હવે વિખેરાઈ રહ્યા હોય તેવું લાગે છે. એક ચોંકાવનારા વળાંકમાં, જે બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ભારત સામેની મેચ ન રમવાની જાહેરાત કરી હતી, તે જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ હવે પાકિસ્તાનને આ બહિષ્કાર સમાપ્ત કરવા વિનંતી કરી છે.

શું હતો વિવાદનો પાયો?

આ આખો વિવાદ આઈપીએલ ૨૦૨૬ માંથી બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને દૂર કરવાથી શરૂ થયો હતો. બીસીસીઆઈના આ નિર્ણય બાદ બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આગળ ધરીને વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇનકાર કર્યો હતો. આઈસીસીએ બાંગ્લાદેશની વિનંતી ફગાવી સ્કોટલેન્ડને ટીમમાં સામેલ કરી દેતા, પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે 'એકતા' બતાવવા માટે ભારત સામેની મેચના બહિષ્કારનું એલાન કર્યું હતું.

બાંગ્લાદેશના વલણમાં પરિવર્તન

લાહોરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી અને આઈસીસીના ડેપ્યુટી ચેરમેન ઈમરાન ખ્વાજા વચ્ચે થયેલી બેઠકમાં બીસીબીના પ્રમુખ અમીન ઉલ ઇસ્લામે હાજરી આપી હતી. અહેવાલો મુજબ, ઇસ્લામે પાકિસ્તાનનો આભાર તો માન્યો પણ સાથે એવી વિનંતી કરી કે પાકિસ્તાને ભારત સામેની મેચ રમવી જોઈએ. શ્રીલંકા અને યુએઈ ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાન પર બહિષ્કાર પાછો ખેંચવા દબાણ કર્યું છે.

નકવી હવે શેહબાઝ શરીફના આદેશની રાહ પર

આઈસીસીને ડર છે કે જો ભારત-પાકિસ્તાન જેવી મોટી મેચ નહીં રમાય તો કરોડોનું નુકસાન થઈ શકે છે, તેથી પડદા પાછળ 'બેક-ચેનલ' વાટાઘાટો તેજ થઈ છે. જોકે, પીસીબી ચીફ મોહસીન નકવી હજુ પણ મૌન છે. એવું મનાય છે કે તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના આખરી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો પાકિસ્તાન નમતું જોખશે, તો ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર ફરી એકવાર દુનિયાની સૌથી મોટી ક્રિકેટ રાઈવલરી જોવા મળશે.

(5:39 PM IST)