News of Monday, 9th February 2026
બ્રિટિશ રાજકારણમાં મહા-ભૂકંપ: ‘એપસ્ટીન ફાઇલ્સ’ના ધડાકા બાદ શું કીર સ્ટોર્મર આપશે રાજીનામું? ઐતિહાસિક કટોકટી વચ્ચે ટોચના અધિકારીઓના રાજીનામાનો દોર
વડાપ્રધાન સ્ટોર્મરના સૌથી નજીકના સાથી મોર્ગન મેકસ્વીનીએ પદ છોડ્યું; જેફ્રી એપસ્ટીન સાથે સાંઠગાંઠ ધરાવતા પીટર મેન્ડેલસનને એમ્બેસેડર બનાવવાનો નિર્ણય ભારે પડ્યો

લંડન: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટોર્મર અત્યારે તેમના ૧૮ મહિનાના કાર્યકાળની સૌથી ગંભીર રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં જાહેર થયેલી ‘એપસ્ટીન ફાઇલ્સ’ (Epstein Files) ના નવા ખુલાસાઓએ લંડનથી વોશિંગ્ટન સુધી ખળભળાટ મચાવી દીધો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે વડાપ્રધાનના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીની અને કોમ્યુનિકેશન ડાયરેક્ટર ટીમ એલન જેવા દિગ્ગજોએ ૨૪ કલાકમાં જ રાજીનામા આપી દીધા છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદના કેન્દ્રમાં વરિષ્ઠ નેતા પીટર મેન્ડેલસન છે, જેમને ૨૦૨૪માં સ્ટોર્મર સરકારે અમેરિકામાં બ્રિટનના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. ‘એપસ્ટીન ફાઇલ્સ’ના નવા દસ્તાવેજો મુજબ, મેન્ડેલસને ૨૦૦૮ની આર્થિક કટોકટી વખતે બ્રિટિશ સરકારની અત્યંત ગુપ્ત અને બજાર-સંવેદનશીલ માહિતી કુખ્યાત જાતીય અપરાધી જેફ્રી એપસ્ટીનને મોકલી હતી. આટલું જ નહીં, એપસ્ટીને મેન્ડેલસન સાથે સંકળાયેલા ખાતાઓ પર આશરે ૭૫,૦૦૦ ડોલરની ચૂકવણી પણ કરી હોવાના પુરાવા મળ્યા છે.
સ્ટોર્મરની નિર્ણયશક્તિ સામે સવાલો
વિરોધ પક્ષના નેતા કેમી બેડેનોકે આક્ષેપ કર્યો છે કે સ્ટોર્મર જાણતા હતા કે મેન્ડેલસન અને એપસ્ટીન વચ્ચે ગાઢ સંબંધો છે, તેમ છતાં તેમને દેશના સૌથી મહત્ત્વના રાજદ્વારી પદ માટે પસંદ કરવામાં આવ્યા. જોકે, વડાપ્રધાને સંસદમાં માફી માંગતા કહ્યું હતું કે, "મેન્ડેલસને અમને ખોટું બોલીને છેતર્યા છે, મને તેમના અને એપસ્ટીન વચ્ચેના આટલા ઘેરા સંબંધોની જાણ નહોતી." સપ્ટેમ્બરમાં મેન્ડેલસનને રાજદૂતના પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે મેટ્રોપોલિટન પોલીસ તેમની સામે ફોજદારી તપાસ પણ કરી રહી છે.
શું ખરેખર વડાપ્રધાન બદલાશે?
લેબર પાર્ટીના નેતાઓમાં પણ હવે ફફડાટ છે. મોર્ગન મેકસ્વીનીનું રાજીનામું એ સંકેત આપે છે કે વડાપ્રધાનની આસપાસનો કિલ્લો તૂટી રહ્યો છે. વિરોધ પક્ષો હવે સીધા જ કીર સ્ટોર્મરના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જો આ વિવાદ વધુ વકરશે, તો કીર સ્ટોર્મર એપસ્ટીન કાંડને કારણે સત્તા ગુમાવનારા વિશ્વના પ્રથમ વડાપ્રધાન બની શકે છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
