News of Monday, 9th February 2026
બિહાર વિધાનસભામાં ગુંજ્યો મૈથિલી ઠાકુરનો સૂર: હોસ્પિટલોની બદતર હાલત પર પોતાની જ સરકારને ભીંસમાં લીધી, કહ્યું- "દર્દીઓને સુવિધા ક્યારે મળશે?"
બિહારની દીકરી અને પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુરે ધારાસભ્ય તરીકે તેવર બતાવ્યા; સ્વાસ્થ્ય મંત્રી સામે સવાલોનો મારો ચલાવી રાજ્યની હેલ્થ સિસ્ટમ સુધારવા કરી જોરદાર રજૂઆત

પટના: બિહારના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચા જેની થઈ રહી છે તે છે મૈથિલી ઠાકુર. પોતાની મધુર ગાયકીથી કરોડો લોકોના દિલ જીતનાર મૈથિલી હવે વિધાનસભામાં જનતાના પ્રશ્નો માટે લડતી જોવા મળી રહી છે. આજે બિહાર વિધાનસભાના સત્ર દરમિયાન મૈથિલી ઠાકુરે રાજ્યની સરકારી હોસ્પિટલોની દયનીય સ્થિતિનો મુદ્દો ઉઠાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મૈથિલીએ માત્ર સવાલો જ નહોતા કર્યા, પણ પોતાની જ સરકારના મંત્રીને ભીંસમાં લઈને જનતાની પીડાને વાચા આપી હતી.
પોતાની જ સરકાર સામે સવાલોની ‘તાન’
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન મૈથિલી ઠાકુરે રાજ્યની હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત, દવાઓની તંગી અને જર્જરિત બિલ્ડિંગો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વાસ્થ્ય મંત્રીને સીધો સવાલ કર્યો હતો કે, "ગરીબ દર્દીઓ જ્યારે આશા સાથે સરકારી હોસ્પિટલે આવે છે ત્યારે તેમને સુવિધાઓના અભાવે ભટકવું પડે છે, આ સ્થિતિ ક્યારે સુધરશે?" મૈથિલીના આ આક્રમક તેવર જોઈને ગૃહમાં હાજર અન્ય સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
મૈથિલી ઠાકુરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે કે એક કલાકાર હોવા છતાં તે જમીની સ્તરના મુદ્દાઓ પર આટલી બેબાક રીતે બોલી રહી છે. મૈથિલીએ રજૂઆત કરી હતી કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની હાલત ખૂબ જ ખરાબ છે અને ત્યાં તાત્કાલિક સુધારાની જરૂર છે.
કલાકારથી નેતા સુધીની સફર
મૈથિલી ઠાકુર જે રીતે વિધાનસભામાં સક્રિય થઈ છે, તે જોતા લાગે છે કે તે બિહારના રાજકારણમાં લાંબી ઇનિંગ રમવાની તૈયારીમાં છે. મૈથિલીએ ગૃહમાં કહ્યું હતું કે, "જનતાએ મને વિશ્વાસ સાથે અહીં મોકલી છે, અને જો હું તેમના સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા પાયાના મુદ્દે અવાજ નહીં ઉઠાવું તો મારો અહીં હોવાનો કોઈ અર્થ નથી."
આ ઘટના બાદ હવે બિહાર સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે કેવા મોટા ફેરફારો કરે છે, તેના પર સૌની નજર રહેશે. મૈથિલીના આ અવાજે વિપક્ષને પણ સરકારને ઘેરવા માટે એક નવો મુદ્દો આપી દીધો છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
