<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

પાકિસ્તાનને તાલિબાનનો ‘ડોઝ’: અફઘાનિસ્તાને પાકિસ્તાની દવાઓ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ, હવે મિત્ર ભારત બનશે કાબુલનું ‘સંકટમોચન’

સીમા વિવાદ અને તણાવ વચ્ચે તાલિબાને ઈસ્લામાબાદની આર્થિક કમર તોડી; અબજો રૂપિયાનો ફાર્મા ઉદ્યોગ સંકટમાં, ભારત પાસેથી દવાનો પુરવઠો મેળવવા તાલિબાન આતુર

કાબુલ: દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. અફઘાનિસ્તાનની સત્તા પર બિરાજમાન તાલિબાન સરકારે પાકિસ્તાનને જોરદાર આર્થિક અને રાજદ્વારી ઝટકો આપ્યો છે. તાલિબાનના નાણા મંત્રાલયે પાકિસ્તાનથી આવતી તમામ દવાઓની આયાત પર સોમવારથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. હવે અફઘાનિસ્તાન પોતાની સ્વાસ્થ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પાકિસ્તાનને બદલે ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે.
 છેલ્લા કેટલાક સમયથી ડ્યુરન્ડ લાઈન (સરહદ) પર પાકિસ્તાની સેના અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે સતત અથડામણો થઈ રહી છે. પાકિસ્તાન દ્વારા વારંવાર સરહદો બંધ કરવામાં આવતા અને અફઘાન વેપારીઓને હેરાન કરવામાં આવતા તાલિબાન વહીવટીતંત્રે આ કડક નિર્ણય લીધો છે. તાલિબાને માત્ર સત્તાવાર વેપાર જ નહીં, પરંતુ ગેરકાયદેસર દાણચોરી પર પણ કડક પ્રતિબંધ મૂક્યો છે અને ચેતવણી આપી છે કે પાકિસ્તાની માલ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવશે.
અફઘાનિસ્તાનની લગભગ ૭૦ ટકા દવાઓ અત્યાર સુધી પાકિસ્તાનથી આવતી હતી, જેના કારણે ત્યાં અત્યારે દવાઓની ભારે અછત સર્જાઈ છે. આ અછતને પહોંચી વળવા તાલિબાનના અધિકારીઓએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. ભારત પહેલેથી જ અફઘાનિસ્તાનને માનવતાવાદી ધોરણે અનાજ અને તબીબી સહાય મોકલી રહ્યું છે. હવે આ પ્રતિબંધ બાદ ભારત અફઘાનિસ્તાન માટે મુખ્ય ફાર્મા સપ્લાયર બની શકે છે, જે પાકિસ્તાન માટે અબજો રૂપિયાનું નુકસાન સાબિત થશે.
 પાકિસ્તાનનો દવા ઉદ્યોગ પહેલેથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે અફઘાનિસ્તાન જેવો મોટો ગ્રાહક હાથમાંથી જવો એ તેના માટે મોટો ફટકો છે. બીજી તરફ, ભારતની વિશ્વસનીયતા અને દવાની ઉચ્ચ ગુણવત્તાને કારણે તાલિબાન હવે લાંબા ગાળાના વેપાર સંબંધો માટે ભારત, ઈરાન અને તુર્કી સાથે નવા વેપાર માર્ગો ખોલવાની તૈયારી કરી રહ્યું છે.
આ નિર્ણયથી સાબિત થાય છે કે પાકિસ્તાનનો તેના પડોશી દેશો પરનો પ્રભાવ સતત ઘટી રહ્યો છે, જ્યારે ભારતની ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના અફઘાનિસ્તાન જેવા સંકટગ્રસ્ત દેશો માટે આશાનું કિરણ બની રહી છે.

(8:23 PM IST)