<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: તમિલનાડુની દરગાહમાં દૈનિક નમાજ અને પશુ બલિ પર પ્રતિબંધ, વર્ષો જૂની પરંપરાઓ રહેશે અકબંધ

“દરગાહને મસ્જિદમાં ન બદલી શકાય”: મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સર્વોચ્ચ અદાલતની મહોર; હવે માત્ર રમઝાન અને બકરી ઈદ જેવા ખાસ તહેવારો પર જ નમાજની મળશે મંજૂરી

નવી દિલ્હી: તમિલનાડુના મદુરાઈ પાસે આવેલી સુપ્રસિદ્ધ તિરુપ્પારંકુન્દ્રમ ટેકરી પર સ્થિત દરગાહ અને મંદિર વચ્ચેના વર્ષો જૂના કાયદાકીય વિવાદમાં સુપ્રીમ કોર્ટે અંતિમ મહોર લગાવી દીધી છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખતા સ્પષ્ટ કર્યું છે કે દરગાહ પરિસરમાં દરરોજ પાંચ વખત નમાજ પઢવાની પરવાનગી આપી શકાય નહીં. આ સાથે જ કોર્ટે પરિસરમાં પશુ બલિ ચઢાવવાની માંગને પણ ફગાવી દીધી છે.
   તિરુપ્પારંકુન્દ્રમ ટેકરી ભગવાન મુરુગનના છ પવિત્ર નિવાસો (અરુપદાઈ વીદુ) માંથી એક તરીકે હિન્દુ ધર્મમાં અત્યંત પૂજનીય છે. આ જ ટેકરીની ટોચ પર સિકંદર બદુશાની પ્રાચીન દરગાહ આવેલી છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી ઈમામ હુસૈને એવી અરજી કરી કે દરગાહનો ઉપયોગ મસ્જિદ તરીકે કરવામાં આવે અને ત્યાં દરરોજ પાંચ વખત નમાજ પઢવાની તેમજ ઉર્સ દરમિયાન પશુ બલિની મંજૂરી આપવામાં આવે. જોકે, હિન્દુ સંગઠનો અને મંદિર વહીવટીતંત્રે આનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આ સ્થળ ઐતિહાસિક રીતે મંદિર સંકુલનો ભાગ છે.
    કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોઈ પણ ધાર્મિક સ્થળ પર નવી પ્રથાઓ જબરદસ્તીથી લાગુ કરી શકાતી નથી. હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતા કોર્ટે કહ્યું કે આ દરગાહ સર્વધર્મ સંભાવનું કેન્દ્ર છે, જ્યાં તમામ ધર્મના લોકો આવે છે, પરંતુ તેને કોઈ ચોક્કસ સમુદાયના દૈનિક પ્રાર્થના સ્થળ એટલે કે મસ્જિદમાં રૂપાંતરિત કરી શકાય નહીં. પશુ બલિ પરના પ્રતિબંધને પણ કોર્ટે ધાર્મિક સ્થળની ગરિમા અને પર્યાવરણના હિતમાં ગણાવ્યો છે.
 કોર્ટના આદેશ મુજબ, હવે આ દરગાહમાં પરંપરાગત રીતે ચાલતા આવતા ખાસ પ્રસંગો જેમ કે રમઝાન અને બકરી ઈદ પર જ નમાજ અદા કરવાની છૂટ રહેશે. બાકીના દિવસોમાં અહીં કોઈ પણ નવી ધાર્મિક પ્રક્રિયા શરૂ કરી શકાશે નહીં. આ ચુકાદાને સાંપ્રદાયિક શાંતિ અને ઐતિહાસિક વારસાના રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ચુકાદા બાદ તમિલનાડુમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને બંને સમુદાયોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

(8:25 PM IST)