ભૂમધ્ય સમુદ્ર બન્યો 'મોતનું સરનામું': લીબિયાના કિનારે હોડી પલટી જતાં 53 જિંદગીઓ દરિયામાં દફન, યુરોપ પહોંચવાનું સપનું મોજામાં વિખેરાયું
ગરીબી અને યુદ્ધથી બચવા નીકળેલા માસૂમ બાળકો અને મહિલાઓ 'મૃત્યુના વેપારીઓ'નો શિકાર બન્યા; જર્જરિત રબર બોટ અને લાઈફ જેકેટના અભાવે સર્જાઈ મોટી હોનારત

ત્રિપોલી (લીબિયા): વધુ સારા જીવનની શોધ અને યુરોપ જઈને સુખ-સાહેબી મેળવવાની ઘેલછા ફરી એકવાર ડઝનેક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગઈ છે. ઉત્તર આફ્રિકાના દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ જવા નીકળેલી એક જર્જરિત હોડી ભૂમધ્ય સમુદ્રના તોફાની મોજાઓ સામે હાર માની ગઈ અને પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 53 પરપ્રાંતિય શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે વિશ્વભરમાં માનવીય સંવેદનાઓ હચમચી ઉઠી છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ, માનવ તસ્કરોએ વધુ પૈસાની લાલચમાં એક નાનકડી રબર બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને પ્રાણીઓની જેમ ભરી દીધા હતા. આ બોટમાં સલામતીના કોઈ સાધનો કે લાઈફ જેકેટ પણ નહોતા. સમુદ્રની વચ્ચે એન્જિન ફેઈલ થતાં અથવા તો ઊંચા મોજાઓ અથડાવાને કારણે બોટ પલટી ગઈ હતી. મૃતકોમાં એવી મહિલાઓ અને માસૂમ બાળકોનો સમાવેશ થાય છે જેઓ પોતાના દેશમાં ગરીબી અને અંધાધૂંધીથી કંટાળીને ઈટાલી કે માલ્ટા જેવા દેશોમાં આશરો મેળવવા ઈચ્છતા હતા.
સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM) ના મતે લીબિયાથી યુરોપ સુધીનો આ દરિયાઈ પટ્ટો હવે "તરતા કબ્રસ્તાન" તરીકે ઓળખાવા લાગ્યો છે. દાણચોરો લોકો પાસેથી હજારો ડોલર પડાવે છે પણ તેમને અત્યંત જોખમી હાલતમાં દરિયામાં ધકેલી દે છે. 53 લોકોના મોત એ માત્ર આંકડા નથી, પરંતુ માનવતાના ગાલ પર વધુ એક તમાચો છે.
સદનસીબે જે ગણ્યાગાંઠ્યા લોકો બચી શક્યા છે, તેઓ અત્યારે ઊંડા માનસિક આઘાતમાં છે. આ લોકો ગંભીર રીતે ડિહાઈડ્રેશનનો શિકાર બન્યા છે. લીબિયામાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવીને "મૃત્યુના વેપારીઓ" ગણાતા તસ્કરો હજુ પણ સેંકડો લોકોને આવા મોતની મુસાફરીમાં ધકેલી રહ્યા છે. માનવાધિકાર સંગઠનોએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને યુરોપિયન દેશોને બચાવ કામગીરી માટે વધુ સંસાધનો ફાળવવા અપીલ કરી છે. ભૂમધ્ય સમુદ્રના પેટાળમાં દટાયેલા આ 53 લોકોના સપનાઓ ફરી એકવાર વિશ્વને પૂછી રહ્યા છે કે આ જીવલેણ ખેલનો અંત ક્યારે આવશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
