<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

બરફના રણમાં વહે છે 'લોહીની નદી': એન્ટાર્કટિકાના સફેદ પ્રદેશમાં કુદરતનો આ કેવો ખેલ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું 'બ્લડ ફોલ્સ'નું ૧૦૦ વર્ષ જૂનું રહસ્ય

માઈનસ ૧૯ ડિગ્રીમાં પણ નથી થીજતું આ લાલ પાણી; ૧૯૧૧માં પહેલીવાર દુનિયા સામે આવ્યો હતો આ લોહિયાળ ધોધ, જાણો બરફની નીચે દટાયેલા લાખો વર્ષ જૂના રહસ્યનું સત્ય

એન્ટાર્કટિકા: વિશ્વના સૌથી ઠંડા અને નિર્જન ખંડ એન્ટાર્કટિકામાં એક એવું દ્રશ્ય જોવા મળે છે જે જોઈને કોઈ પણ થથરી જાય. અહીં સફેદ બરફની વચ્ચેથી એક ઘેરા લાલ રંગની નદી વહે છે, જેને જોઈને એવું લાગે છે કે જાણે બરફની ચાદરમાંથી લોહીનો ધોધ વહી રહ્યો હોય. આ રહસ્યમયી જગ્યા 'બ્લડ ફોલ્સ' તરીકે ઓળખાય છે, જેણે એક સદીથી વધુ સમય સુધી ભૂસ્તરશાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂક્યા હતા.
: એન્ટાર્કટિકાની મેકમુર્ડો ડ્રાય વેલીમાં ટેલર ગ્લેશિયર પર સ્થિત આ ધોધ પાંચ માળ જેટલી ઊંચાઈ ધરાવે છે. આ રહસ્યમય સ્થળની શોધ ૧૯૧૧માં ઓસ્ટ્રેલિયન ભૂસ્તરશાસ્ત્રી થોમસ ગ્રિફિથ ટેલરે કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે અહીંનું તાપમાન માઈનસ ૧૯ ડિગ્રી સેલ્સિયસ હોવા છતાં આ પાણી ક્યારેય બરફ બનતું નથી અને તેનો રંગ લોહી જેવો લાલ રહે છે.
પહેલા એવું માનવામાં આવતું હતું કે લાલ શેવાળને કારણે આ પાણી લાલ દેખાય છે, પરંતુ ૨૦૧૭માં થયેલા સંશોધનોએ ચોંકાવનારો ખુલાસો કર્યો. લાખો વર્ષો પહેલા આ વિસ્તાર સમુદ્રની નીચે હતો. જ્યારે હિમનદીઓ બની ત્યારે સમુદ્રનું ખારું પાણી ગ્લેશિયરની નીચે દબાઈ ગયું. આ પાણી લાખો વર્ષો સુધી સૂર્યપ્રકાશ કે ઓક્સિજનના સંપર્ક વગર અંધકારમાં રહ્યું.
જ્યારે આ હિમનદી નીચેના ખડકો પર ઘસાય છે, ત્યારે તેમાં પુષ્કળ પ્રમાણમાં લોખંડ ભળે છે. આ અત્યંત ખારું અને લોખંડયુક્ત પાણી જ્યારે ગ્લેશિયરની તિરાડોમાંથી બહાર નીકળીને પૃથ્વીની હવાના સંપર્કમાં આવે છે, ત્યારે લોખંડનું ઓક્સિડેશન થાય છે. સાદી ભાષામાં કહીએ તો, જેમ લોખંડને હવામાં રાખતા કાટ લાગે છે અને તેનો રંગ લાલ-ચોકલેટી થાય છે, તેમ આ પાણી પણ હવાના સંપર્કમાં આવતા જ લોહી જેવું લાલ થઈ જાય છે.
આ લાલ પાણીમાં અતિશય મીઠું હોવાને કારણે તે માઈનસ તાપમાનમાં પણ થીજતું નથી. વિજ્ઞાનીઓ માટે આ માત્ર એક ધોધ નથી, પરંતુ પૃથ્વીના ઈતિહાસના લાખો વર્ષો જૂના રહસ્યોનો ખજાનો છે. જે સાબિત કરે છે કે કુદરત પાસે આજે પણ એવા રહસ્યો છે જે આપણી કલ્પના બહાર છે.

(9:01 PM IST)