<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ડિજિટલ ફ્રોડ નહીં, આ તો ‘લૂંટ’ છે: ₹54,000 કરોડની લૂંટ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ; કેન્દ્ર સરકારને SOP તૈયાર કરવા અને પીડિતોને વળતર આપવા આદેશ

“નાના રાજ્યોના બજેટ કરતા પણ મોટી રકમ લૂંટાઈ ગઈ”: CBI ને તપાસ સોંપાઈ; બેંક અધિકારીઓની મિલીભગત સામે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

નવી દિલ્હી:  ભારતમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ખાસ કરીને 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) ના નામે થતી લૂંટ મામલે સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે દેશમાં ડિજિટલ છેતરપિંડી દ્વારા થયેલી રૂ. 54,000 કરોડથી વધુની ઉચાપતને સાદી છેતરપિંડી નહીં, પણ "સંપૂર્ણ લૂંટ અથવા ડકેતી" ગણાવી છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે આ રકમ ભારતના ઘણા નાના રાજ્યોના વાર્ષિક બજેટ કરતા પણ વધારે છે.

બેંક અધિકારીઓ અને ટેલિકોમ વિભાગ શંકાના દાયરામાં

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે આવા મોટા પાયે થતા ગુનાઓ બેંક અધિકારીઓની મિલીભગત અથવા તેમની બેદરકારી વગર શક્ય નથી. કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ટેલિકોમ વિભાગ (DoT) ને આદેશ આપ્યો છે કે તેઓ સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા સિમ કાર્ડ અને બેંક ખાતાઓને ટ્રેસ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેમ નથી કરી રહ્યા?

CBI ને આખા દેશમાં તપાસની કમાન સોંપાઈ

કોર્ટે સીબીઆઈ (CBI) ને ડિજિટલ ધરપકડના તમામ કેસોની ઓળખ કરી દેશવ્યાપી તપાસ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ દિલ્હી અને ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે તેઓ આ કેસોની તપાસ આગળ વધારવા માટે કેન્દ્રીય એજન્સીને જરૂરી તમામ મંજૂરીઓ તાત્કાલિક અસરથી આપે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સાયબર ગુનેગારો દેશની બહાર મોટી રકમ મોકલી રહ્યા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે.

પીડિતોને વળતર આપવા માટે 'ઉદાર અભિગમ'ની જરૂર

સૌથી મહત્વનો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જે લોકો ડિજિટલ ફ્રોડનો શિકાર બન્યા છે, તેમને વળતર આપવા માટે સરકારે ઉદાર અને વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને આગામી ચાર અઠવાડિયામાં RBI અને અન્ય હિસ્સેદારો સાથે મળીને એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP) તૈયાર કરવા અને સમજૂતી પત્ર (MoU) નો મુસદ્દો રજૂ કરવા જણાવ્યું છે.

શું છે 'ડિજિટલ ધરપકડ'?

ડિજિટલ ધરપકડ એ સાયબર ક્રાઈમનું નવું અને જોખમી સ્વરૂપ છે. જેમાં ઠગ લોકો પોલીસ કે સરકારી એજન્સીના અધિકારી બનીને વીડિયો કોલ કરે છે અને પીડિતને ડરાવીને તેને કલાકો સુધી કેમેરા સામે 'બંધક' બનાવી રાખે છે, ત્યારબાદ કેસ ખતમ કરવાના નામે લાખો રૂપિયા પડાવે છે.

સુપ્રીમ કોર્ટની આ કડકાઈ બાદ હવે સાયબર સુરક્ષા અને બેંકિંગ વ્યવસ્થામાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.

(9:04 PM IST)