હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રિટિશ રાજકારણમાં ‘એપસ્ટેઈન’ ભૂકંપ: પીએમ કીર સ્ટારમરની ખુરશી જોખમમાં, શું કાશ્મીરી મૂળના શબાના મહમૂદ બનશે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન?
ચીફ ઓફ સ્ટાફના રાજીનામાથી ડાઉનિંગ સ્ટ્રીટમાં સન્નાટો; જેફરી એપસ્ટેઈન ફાઈલોના ખુલાસાએ મચાવ્યો હાહાકાર, હવે બર્મિંગહામના સાંસદ અને ન્યાય સચિવ શબાના મહમૂદ પર સૌની નજર

લંડન: યુનાઇટેડ કિંગડમના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. જેફરી એપસ્ટેઈન સેક્સ સ્કેન્ડલની નવી ફાઈલો સાર્વજનિક થતા જ વડાપ્રધાન કીર સ્ટારમરની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ વિવાદને પગલે પીએમના ખાસ ગણાતા ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ રવિવારે રાજીનામું ધરી દીધું છે. આ ગંભીર રાજકીય કટોકટી વચ્ચે હવે એક નામ ખૂબ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે અને તે છે - શબાના મહમૂદ. જો કીર સ્ટારમરે પદ છોડવું પડે, તો શબાના મહમૂદ બ્રિટનના ઈતિહાસમાં પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન બનીને નવો ઈતિહાસ રચી શકે છે.
૪૫ વર્ષીય શબાના મહમૂદ લેબર પાર્ટીના દિગ્ગજ નેતા અને અત્યંત પ્રભાવશાળી વક્તા છે. હાલમાં તેઓ બ્રિટનના ન્યાય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. વ્યવસાયે બેરિસ્ટર એવા શબાના ૨૦૧૦માં બર્મિંગહામ લેડીવુડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, જેનાથી તેઓ યુકેના પ્રથમ મુસ્લિમ મહિલા સાંસદોમાંના એક બન્યા હતા. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે અને કાયદાકીય ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ છે.
શબાના મહમૂદના પરિવારના મૂળ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના (PoK) મીરપુર વિસ્તારમાં છે. તેમનો જન્મ બર્મિંગહામમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર કાશ્મીરી ડાયસ્પોરા સાથે ઊંડો નાતો ધરાવે છે. તેમના પિતા મહમૂદ અહેમદ લેબર પાર્ટીમાં સક્રિય હતા. શબાનાનું બાળપણ સાઉદી અરેબિયામાં પણ વીત્યું છે. કાશ્મીરી મૂળના હોવાના કારણે બ્રિટિશ રાજકારણમાં તેમનું નેતૃત્વ દક્ષિણ એશિયાઈ સમુદાય માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
આ સમગ્ર વિવાદ પીટર મેન્ડેલસનને અમેરિકામાં બ્રિટિશ રાજદૂત તરીકે નિયુક્ત કરવાથી શરૂ થયો છે. મેન્ડેલસનનું નામ વિવાદાસ્પદ જેફરી એપસ્ટેઈન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન સ્ટારમરે આ માટે માફી માંગી છે, પરંતુ વિપક્ષ અને ખુદ તેમની પાર્ટીના સાંસદો હવે નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કીર સ્ટારમરના નજીકના સાથી હોવા છતાં, શબાના મહમૂદ એક મજબૂત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. બ્રિટિશ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, જો આગામી દિવસોમાં સ્ટારમરની પકડ ઢીલી પડશે, તો શબાના મહમૂદના શિરે બ્રિટનનું સુકાન આવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
