<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

રશિયા પછી હવે વેનેઝુએલાનો વારો: ભારતે અમેરિકાને નારાજ કર્યા વગર ખેલ્યો 'પ્લાન-બી' : સસ્તા તેલ માટે કરી મોટી ડીલ

અમેરિકા સાથેના વેપાર કરાર બાદ ભારતની એનર્જી ડિપ્લોમેસી: ત્રીજા પક્ષ ટ્રાફિગુરા મારફતે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી : રશિયા જેવું જ તોતિંગ ડિસ્કાઉન્ટ મેળવીને ભારતીય રિફાઇનરીઓએ વૈશ્વિક બજારમાં જમાવી ધાક

નવી દિલ્હી:  વૈશ્વિક રાજકારણ અને ઉર્જા બજારમાં ભારત અત્યારે એક અત્યંત ચતુર ખેલાડી સાબિત થઈ રહ્યું છે. અમેરિકા સાથેના તાજેતરના વેપાર કરારના ફાયદાઓ હવે જમીન પર દેખાવા લાગ્યા છે. ભારતની સરકારી તેલ કંપનીઓ, IOC અને HPCL એ વેનેઝુએલા પાસેથી 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ઐતિહાસિક સોદો પાર પાડ્યો છે. આ ડીલની સૌથી દિલચસ્પ વાત એ છે કે ભારતને અહીં પણ રશિયન તેલ જેવું જ એટલે કે બેરલ દીઠ લગભગ $6.50 થી $7 નું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સોદો સાબિત કરે છે કે ભારત હવે માત્ર એક જ દેશ પર નિર્ભર રહેવાને બદલે પોતાના ઉર્જા સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરી રહ્યું છે.

આ આખી ડીલની પાછળ એક અત્યંત રસપ્રદ 'ઇનસાઇડ સ્ટોરી' છુપાયેલી છે. ભારતે આ તેલ સીધું વેનેઝુએલા પાસેથી ખરીદવાને બદલે 'ટ્રાફિગુરા' નામની મધ્યસ્થી પેઢી દ્વારા ખરીદ્યું છે. આનું કારણ અમેરિકાના પ્રતિબંધો છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો સામેની કાર્યવાહી બાદ અમેરિકાએ માત્ર અમુક પસંદગીની વૈશ્વિક પેઢીઓને જ ત્યાંથી તેલ વેચવાનું લાઇસન્સ આપ્યું છે. ભારતે આ 'થર્ડ પાર્ટી' રૂટ અપનાવીને એકસાથે બે નિશાન સાધ્યા છે: એક તો અમેરિકાના કાયદાકીય સકંજાથી બચી શકાય અને બીજું, ડોલરમાં પેમેન્ટ કરવાની બેંકિંગ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય. આ વ્યૂહરચનાએ ભારતીય તેલ કંપનીઓ માટે જોખમ શૂન્ય કરી દીધું છે.

ભારતનો આ નિર્ણય વૈશ્વિક સ્તરે મોટો સંકેત છે. એક તરફ રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખ્યા બાદ, હવે વેનેઝુએલાના બજારમાં આટલી મોટી એન્ટ્રી કરીને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રીય હિત માટે તે કોઈપણ પક્ષ સાથે સોદાબાજી કરવા સક્ષમ છે. ખાસ કરીને HPCL માટે આ પહેલો એવો મોકો છે જ્યારે તે વેનેઝુએલાનું ક્રૂડ પ્રોસેસ કરશે. એપ્રિલના અંત સુધીમાં આ તેલનો જથ્થો ભારતના પૂર્વ કિનારે પહોંચશે, જે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવોને સ્થિર રાખવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારતની આ 'પ્લાન બી' વ્યૂહરચનાએ સાબિત કર્યું છે કે તેલના ખેલમાં હવે દિલ્હી સર્વોપરી છે.

(9:35 PM IST)