હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં 'મહા-મડાગાંઠ': અમિત શાહ અને રાહુલ ગાંધી સ્પીકરના શરણે : લોકશાહીના મંદિરમાં ટકરાવ યથાવત
બજેટ સત્રમાં મહિલા સાંસદોના વર્તનથી લઈને આઠ સાંસદોના સસ્પેન્શન સુધીના ચાર મુદ્દે જંગ : સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં કલાકો સુધી ચાલી બેઠકોનો દોર: વિપક્ષમાં અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે બે ફાટા પડતા સરકારનો હાથ ઉપર રહ્યો

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થતી જઈ રહી છે. સોમવારે સંસદ ભવનમાં ત્યારે ભારે ગરમાવો જોવા મળ્યો જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી એક જ હેતુ માટે સ્પીકર ઓમ બિરલાને મળ્યા – ગતિરોધ તોડવા માટે. જોકે, પડદા પાછળની આ મિટીંગો બાદ પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં અખિલેશ યાદવ અને અભિષેક બેનર્જી જેવા દિગ્ગજોએ આઠ સાંસદોના સસ્પેન્શન અને મહિલા સાંસદો પરના આરોપો મુદ્દે સ્પીકર સામે આક્રોશ ઠાલવ્યો હતો. બીજી તરફ, સરકારે વીડિયો ફૂટેજને હથિયાર બનાવીને વળતો પ્રહાર કર્યો છે, જેના કારણે લોકશાહીના સર્વોચ્ચ ગૃહમાં કામકાજ થવાને બદલે માત્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે.
વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા ચાર મુખ્ય મુદ્દાઓ પર સરકારનું વલણ અત્યંત કડક છે. જ્યારે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોની મર્યાદાનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે સરકારી સૂત્રોએ દાવો કર્યો કે વીડિયોમાં સાંસદો વડાપ્રધાનની સીટ તરફ આક્રમક રીતે આગળ વધતા સ્પષ્ટ દેખાય છે. સસ્પેન્શન પાછું ખેંચવા મુદ્દે સરકારે શરત મૂકી છે કે પહેલા ગૃહમાં શાંતિ જળવાય તો જ તેના પર વિચાર થશે. આ ખેંચતાણ વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને રાહુલ ગાંધીને બોલવાની તક આપવા બાબતે પણ સ્પીકરની ચેમ્બરમાં ભારે દલીલો થઈ હતી. સરકારનું કહેવું છે કે રાહુલ ગાંધી બોલી શકે છે, પરંતુ જો તેઓ જૂના વિવાદાસ્પદ મુદ્દાઓ ફરી ઉખેળશે તો ગૃહની ગરિમા જાળવવી મુશ્કેલ બનશે.
સૌથી રસપ્રદ વળાંક વિપક્ષી એકતામાં જોવા મળ્યો છે. કોંગ્રેસ જ્યારે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે, ત્યારે તેમના જ સાથી પક્ષો TMC અને NCP આ મુદ્દે ખચકાટ અનુભવી રહ્યા છે. વિપક્ષમાં જ પડી રહેલા આ ફાટાને કારણે સરકારનો પક્ષ મજબૂત બન્યો છે. મોટાભાગના પ્રાદેશિક પક્ષો ઈચ્છે છે કે હંગામો બંધ થાય અને પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થાય, પરંતુ કોંગ્રેસ અને સરકાર વચ્ચેનો આ 'ઈગો ક્લેશ' સંસદના કિંમતી સમયનો ભોગ લઈ રહ્યો છે. 9 માર્ચની મહત્વની તારીખ પહેલા સંસદનું આ વાતાવરણ આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
