હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"PM મોદી સત્યથી ડરે છે": રાહુલ ગાંધીનો સ્પીકરની ચેમ્બર બહાર વિસ્ફોટક પ્રહાર: સંસદમાં હોબાળો
પીએમ પર હુમલાની આશંકાઓને રાહુલે ગણાવી અફવા : પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તક પર ચર્ચા રોકવા માટે ગૃહ બંધ કર્યાનો આક્ષેપ : મહિલા સાંસદોના વિરોધ પ્રદર્શન મુદ્દે FIR દાખલ કરવા સરકારને ફેંક્યો ખુલ્લો પડકાર

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરીને રાજકીય તાપમાન વધારી દીધું છે. સ્પીકર ઓમ બિરલા સાથેની હાઈ-પ્રોફાઈલ બેઠક બાદ બહાર આવેલા રાહુલે સીધો જ આરોપ લગાવ્યો કે પીએમ મોદી ગૃહમાં આવવાથી અને ખાસ કરીને તેમના (રાહુલના) પ્રશ્નોનો સામનો કરવાથી ડરી રહ્યા છે. રાહુલે સરકારના એ દાવાઓને પણ નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે વિપક્ષી સાંસદો પીએમ પર હુમલો કરવા માંગતા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જો સરકારને ખરેખર કોઈ ધમકી દેખાઈ હોય તો તેમણે હોબાળો કરવાને બદલે તાત્કાલિક એફઆઈઆર (FIR) દાખલ કરવી જોઈએ, અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
રાહુલ ગાંધીએ આ ગતિરોધનું મુખ્ય કારણ પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકને ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો કે સંરક્ષણ મંત્રીએ ગૃહમાં ખોટું બોલ્યું હતું કે પુસ્તક પ્રકાશિત નથી થયું, જ્યારે હકીકતમાં તેની નકલો બજારમાં આવી ગઈ છે. રાહુલના મતે, આ પુસ્તકમાં રહેલા સત્યથી સરકાર એટલી ગભરાઈ ગઈ છે કે તેમને ગૃહમાં બોલતા રોકવા માટે વારંવાર કાર્યવાહી સ્થગિત કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે ૩-૪ વખત તેમને બોલવાની તક આપવાને બદલે ગૃહ બંધ કરી દેવામાં આવ્યું, જે લોકશાહીમાં વિપક્ષના અવાજને દબાવવાનું વ્યવસ્થિત કાવતરું છે.
બીજી તરફ, ૪ ફેબ્રુઆરીની ઘટનાને લઈને સ્પીકર ઓમ બિરલાની ચિંતા પર પણ રાહુલે વળતો જવાબ આપ્યો છે. જ્યારે સ્પીકરે મહિલા સાંસદોના વર્તનને અણધાર્યું અને જોખમી ગણાવ્યું, ત્યારે રાહુલે તેને જનતાનો અવાજ ગણાવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષી સાંસદો કોઈ વ્યક્તિ પર હુમલો કરવા નથી ગયા, પરંતુ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. હવે જ્યારે સંસદમાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને સાંસદોના સસ્પેન્શન જેવી લડાઈ જામી છે, ત્યારે રાહુલ ગાંધીનું આ "ડર" વાળું નિવેદન આગામી દિવસોમાં ગૃહની કાર્યવાહીને વધુ તોફાની બનાવે તેવા સંકેતો મળી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
