<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

PFના નાણાં હવે ખિસ્સામાં! માર્ચથી નવી એપ કરશે કમાલ : Paytm-GPayની જેમ ચપટી વગાડતા ઉપાડી શકાશે ફંડ

કેન્દ્ર સરકારનો ડિજિટલ માસ્ટરસ્ટ્રોક: હવે UAN પોર્ટલના ધક્કામાંથી મળશે મુક્તિ: UPI દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે પીએફના નાણાં: ૩૦ કરોડ કર્મચારીઓ માટે પીએફ ઉપાડવાની પ્રક્રિયા બનશે અત્યંત સરળ અને ઝડપી

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે હોળી પહેલા જ દિવાળી જેવો માહોલ સર્જાવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર માર્ચ મહિનાના અંત સુધીમાં એક એવી ક્રાંતિકારી મોબાઇલ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે પીએફ ઉપાડવાની જટિલ પ્રક્રિયાને ઇતિહાસ બનાવી દેશે. અત્યાર સુધી પીએફના નાણાં મેળવવા માટે UAN પોર્ટલ પર જવું પડતું હતું અને લાંબી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે નવી એપ દ્વારા તમે UPIનો ઉપયોગ કરીને ગણતરીની મિનિટોમાં તમારા ભંડોળનો ૭૫% હિસ્સો ઉપાડી શકશો. આ સુવિધા BHIM, Google Pay કે PhonePe જેવી એપ સાથે પણ લિંક કરી શકાશે, જે પીએફ ખાતાધારકો માટે એક મોટો વળાંક સાબિત થશે.

આ નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સીધી તમારા બેંક ખાતા સાથે જોડાયેલી હશે. નિયમો અનુસાર, પીએફ સભ્ય પોતાના કુલ બેલેન્સના ૨૫% ખાતામાં રાખીને બાકીના ૭૫% નાણાં તાત્કાલિક જરૂરિયાત માટે ઉપાડી શકશે. સરકારના આ પગલાથી ખાસ કરીને એવા કર્મચારીઓને મોટી રાહત મળશે જેમને અચાનક નાણાંની જરૂર ઊભી થાય છે. EPFO પાસે હાલમાં અંદાજે ૨૬ લાખ કરોડ રૂપિયાનું તોતિંગ ભંડોળ છે અને અંદાજે ૭.૫ કરોડ સક્રિય સભ્યો આ નવી સુવિધાનો લાભ લેવા માટે આતુર છે. એપ્લિકેશનનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર સત્તાવાર લોન્ચિંગની જ રાહ જોવાઈ રહી છે.

ડિજિટલ ઈન્ડિયાના વિઝનને આગળ ધપાવતા આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અને વચેટિયાઓની ભૂમિકા સાવ નાબૂદ થઈ જશે. અત્યાર સુધી ઘણા કર્મચારીઓ ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવતા હતા, પરંતુ UPI અને એપ-આધારિત સુવિધાથી પીએફ ઉપાડવું હવે ચા પીવા જેટલું જ સરળ બની જશે. નોકરી ગુમાવવાના કિસ્સામાં પણ આ એપ આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે આવશે. માર્ચના છેલ્લા સપ્તાહમાં આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, જે દેશના કરોડો પગારદાર વર્ગ માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે.

(9:39 PM IST)