<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ICC T20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો ભારત સામેના બહિષ્કારનો યુ-ટર્ન : પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર શ્રીલંકાના રાષ્ટ્રપતિની વિનંતી અને ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધોને માન આપી કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન

બાંગ્લાદેશના સમર્થનમાં લીધેલો નિર્ણય પાછો ખેંચાયો : પાકિસ્તાન પીએમ શહબાઝ શરીફ અને શ્રીલંકન રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ PCBનો મહત્વનો નિર્ણય : ICC એ બાંગ્લાદેશ પરનો દંડ હટાવી ભવિષ્યમાં યજમાનીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

ઈસ્લામાબાદ : આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના નિર્ણય પર પાકિસ્તાને મોટો યુ-ટર્ન લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સોમવારે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ૧૫ ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મધ્યસ્થી:
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, આ મહત્વનો નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ લેવામાં આવ્યો છે. શ્રીલંકન રાષ્ટ્રપતિએ વાતચીત દરમિયાન પાકિસ્તાન અને શ્રીલંકાના જૂના ક્રિકેટ સંબંધોને યાદ કર્યા હતા. તેમણે નોંધ્યું હતું કે જ્યારે શ્રીલંકામાં આતંકવાદના સમયમાં અન્ય ટીમો રમવાની ના પાડતી હતી, ત્યારે પણ પાકિસ્તાને સતત શ્રીલંકાના પ્રવાસ ખેડીને ટેકો આપ્યો હતો. આ ઐતિહાસિક મિત્રતા અને રમત ભાવનાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ પાકિસ્તાન પીએમને ભારત સામેની મેચ રમવા માટે ખાસ વિનંતી કરી હતી.

વડાપ્રધાન શહબાઝ શરીફે આ લાગણીઓને આવકારી હતી અને તાજેતરમાં શ્રીલંકન ટીમ દ્વારા પડકારો વચ્ચે પણ કરવામાં આવેલા પાકિસ્તાન પ્રવાસને 'અવિસ્મરણીય પગલું' ગણાવી બંને દેશોના મજબૂત સંબંધોનો સ્વીકાર કર્યો હતો.

બહિષ્કારનું કારણ અને ICCની ભૂમિકા:
અગાઉ, બાંગ્લાદેશ દ્વારા સુરક્ષાના કારણોસર પોતાના મેચોના સ્થળ ભારતથી શ્રીલંકા બદલવાની માંગ કરવામાં આવી હતી. બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ, પાકિસ્તાને એકતા દર્શાવવા માટે ભારત સામે ન રમવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ વિવાદ ઉકેલવા માટે ICCના ડેપ્યુટી ચેરમેન ઈમરાન ખ્વાજા લાહોર પહોંચ્યા હતા.

PCB, BCB (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ) અને ICC વચ્ચે થયેલી રચનાત્મક ચર્ચા બાદ સમાધાન સધાયું છે. ICC એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશ સામે કોઈ દંડ કે પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. આ ઉપરાંત, બાંગ્લાદેશને વર્ષ ૨૦૨૮ થી ૨૦૩૧ વચ્ચે કોઈ મોટી ICC ઈવેન્ટની યજમાની આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે, જેનાથી આ ગતિરોધનો અંત આવ્યો છે.

(11:33 PM IST)