News of Tuesday, 10th February 2026
માતા-પિતાએ ઠપકો આપતા ચાર કિશોરીની આત્મહત્યા
છોકરાઓ સાથે હળવા મળવા બાબતે ઠપકો અપાયો હતો

ઔરંગાબાદ,તા.૧૦: બિહારના ઔરંગાબાદ જિલ્લામાં સભ્ય સમાજને ચકરાવે ચડાવે તેવી એક ઘટના બની છે. છોકરાઓ સાથે હળવા-મળવા બાબતે પાંચ છોકરીઓના માતા-પિતાઓએ તેમને ઠપકો આપતાં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચારનું મોત થયું હતું. એક કિશોરી જીવિત બચી ગઇ છે, તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક વસ્તીમાં ૨૯ જાન્યુઆરીના રોજ ૧૦થી ૧૪ વર્ષની વયની પાંચ કિશોરીઓએ કોઈ ઝેરી પદાર્થ ગટગટાવ્યું હતું. આમાં ચાર કિશોરીઓના મોત થયા છે. માત્ર એક જ છોકરી જીવિત બચી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક કિશોરીઓના પોસ્ટમોર્ટમ વગર જ તે જ દિવસે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
ઔરંગાબાદના પોલીસ અધિક્ષક અંબરીષ રાહુલે જણાવ્યું હતું કે, ‘‘બચી ગયેલી એક છોકરીના નિવેદન મુજબ, છોકરાઓના જૂથ સાથે વાતચીત કરવા બદલ પરિવારજનોએ ઠપકો આપતા તેમણે ઝેરી પદાર્થ પીવાનું નક્કી કર્યું હતું.''
આ પાંચેય કિશોરીઓએ એક ખેતરમાં સાથે ઝેર પીધું હતું. જેમાં ચાર કિશોરીનાં મોત થયા, પાંચમી છોકરી ઘરે પરત ફરી હતી અને પરિવારને આ વિશે જાણ કરી હતી. હાલમાં આ છોકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જોખમથી બહાર છે.
દાઉદનગરના SDPO અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, ‘‘તપાસ હજુ ચાલુ છે. અત્યારે અમારી પાસે માત્ર બચી ગયેલી છોકરીનું નિવેદન છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોવાનું હજુ સુધી બહાર આવ્યું નથી.'
એક મૃતક કિશોરીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેની છોકરી રમવા માટે બહાર ગઈ હતી અને બાદમાં ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી કે તેમની પુત્રી અને તેની બહેનપણીઓ નજીકના ખેતરમાં મૃત હાલતમાં મળી આવી છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
