<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

૨૧ કરોડ રૂપિયાનો પાડો કુબેર! ઇટલીથી ખરીદવા આવી ટીમ

માલિકે કહ્યું - ૫૦ કરોડ મળે તો પણ નથી વેંચવો : હરિયાણાના કુરુક્ષેત્રના ગ્રાઉન્‍ડમાં ચાલી રહેલા ૪૧મા સ્‍ટેટ લેવલ પશુ મેળામાં ૨૧ કરોડ રૂપિયાના પાડા કુબેરે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું છે

કુરુક્ષેત્ર તા.૧૦: હરિયાણાના કુરુક્ષેત્રના ગ્રાઉન્‍ડમાં ચાલી રહેલા ૪૧મા સ્‍ટેટ લેવલ પશુ મેળામાં ૨૧ કરોડ રૂપિયાના પાડા કુબેરે બધાનું ધ્‍યાન ખેંચ્‍યું છે. કુબેરને ફતેહાબાદના નાઢોડી ગામના વિકાસ ભાંભૂ મેળામાં લઈને આવ્‍યા છે. જો કે, તેઓએ કુબેરને ચેમ્‍પિયનશિપમાં ઉતાર્યો નહીં.

માલિક વિકાસે કહ્યું કે, કુબેર આશરે ૩ મહિના પહેલા રાજસ્‍થાનના પુષ્‍કરમાં લાગેલા દુનિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય મેળામાં ખિતાબ પોતાના નામે કર્યો છે અને જ્‍યારે કોઈ ભ્‍ણ્‍ઝ કરી લે તો તેને બીજીવાર મેટ્રિક કરવાની જરૂર પડતી નથી. આ મેળામાં કુબેરને ૨૧ કરોડમાં ખરીદવા માટે ઇટલીના મિડિએટર સાથે આંધ્રપ્રદેશની પાર્ટી આવી હતી. આ પહેલા કુબેર માટે ૧૧ કરોડ રૂપિયાની બોલી લાગી ચૂકી છે. જો કોઈ ૫૦ કરોડ આપશે તો પણ તે કુબેરને વેંચશે નહીં.

વિકાસે કહ્યું કે, તેઓએ કુબેરનો બાળકની જેમ ઉછેર કર્યો છે. તે કુબેરને પોતાની સાથે ઘરમાં જ રાખે છે. તહેવાર અને ઉત્‍સવ પર કુબેર માટે પણ ફેમિલીની જેમ ફળ અને ડ્રાય ફ્રૂટ લઈને આવવામાં આવે છે. કુબેરના સીમનનો એક ડોઝ ૫૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તેના દ્વારા મહિને ૧૫ થી ૨૦ લાખની કમાણી થાય છે.

વિકાસે જણાવ્‍યું કે, કુબેર દ્વારા કમાણીને કોઈ લાલચ નથી. કુબેરે આખી દુનિયામાં મારું નામ રોશન કર્યું છે. હવે મારી પાસે ઇંગ્‍લેન્‍ડ, અમેરિકા અને ઇટલીથી પાડા વિશે પૂછપરછ માટે ફોન આવે છે. આ પાડો તેની શાન અને મહેનતની ઓળખ બની ગયો છે. એટલે તેઓએ તેને ક્‍યારેય ન વેંચવાનો નિર્ણય કર્યો છે.

પશુપાલક વિકાસ બાંભૂએ જણાવ્‍યું કે, તેના પાડાની ઉંમર આશરે પોણા ચાર વર્ષ છે. તે સંપૂર્ણ રીતે શુદ્ધ મૂર્રા નસલનો પાડો છે. તેની ઊંચાઈ સાડા પાંચ ફૂટ છે. તેની ચામડી મુલાયમ, લીસી અને સંપૂર્ણ રીતે કાળી છે. કુબેરની માં સાડા ૨૩ લીટર સુધી દૂધ આપે છે. તેના પિતાનું નામ અર્જુન અને દાદાનું નામ ખલી છે. જે વર્લ્‍ડ ચેમ્‍પિયન છે.

કુબેરને ખોરાકમાં રોજ ચણા આપવામાં આવે છે અને દરરોજ ૫ થી ૭ લીટર દૂધ આપવામાં આવે છે. દૂધમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ ઘી ભેળવવામાં આવે છે. આ ઉપરાંત કુબેરને ગાજર ખવડાવવામાં આવે છે અને ગાજરનું જ્‍યૂસ પણ આપવામાં આવે છે. રોજ ૪ થી ૫ કિલોમીટર સુધી તેને દોડાવવામાં આવે છે. એક થી દોઢ કલાક માલિશ કરવામાં આવે છે. વિકાસ જણાવે છે કે, કુબેર કદ-કાઠી સાથે તે સુંદરતાનો પણ બાદશાહ છે. તેના મોઢાની લંબાઈ પહોળાઈ એક સમાન છે. તેની લંબાઈ આઠ ફૂટ છે. થોડા સમય પહેલા જ તેણે તેનું સીમન વેંચવાનું શરૂ કર્યું છે. કુબેર ૩ હજાર પાડા અને પાડીઓનો બાપ છે. હાલ તેની પાસે કુબેરની ૧૬ મહિનાની પાડી લક્ષ્મી છે.

(10:17 AM IST)