News of Tuesday, 10th February 2026
ચૂંટણી આવતાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં રાજકીય લડાઈઓ શરૂ થઈ જાય છે
હિમંતા બિસ્વા શર્માના મુસ્લિમ વિરોધી વીડિયો વિવાદ પર CJI એ આવું કેમ કહયું ? : અરજદારોએ સુપ્રીમ કોર્ટને હિમંતા બિસ્વા શર્મા વિડીયો વિવાદની તપાસ માટે SITની રચના કરવાની વિનંતી કરી છે : રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી શકાય નહીં

નવી દિલ્હી, તા.૧૦: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના એક વીડિયોને લઈને ચાલી રહેલો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે અરજીઓ પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરતા કહ્યું કે જ્યારે ચૂંટણી નજીક હોય છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ રાજકીય લડાઈઓ શરૂ થાય છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને સીપીઆઈ નેતા અન્ની રાજાએ હિમંત બિસ્વા શર્મા સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. અરજીમાં આસામના મુખ્યમંત્રી પર એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અરજદારના વકીલે, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના મુસ્લિમ વિરોધી વીડિયોને લઈને ચાલી રહેલા વિવાદને ટાંકીને, વહેલી સુનાવણીની વિનંતી કરી. એડવોકેટ નિઝામ પાશાએ કોર્ટને કહ્યું, હિમંત બિસ્વા શર્મા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી અંગે અમે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની અપીલ કરીએ છીએ. તાજેતરમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એક ચોક્કસ સમુદાયના સભ્યો પર ગોળીબાર કરતા જોવા મળે છે. તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ કોઈ FIR દાખલ કરવામાં આવી નથી.
લાઈવ લોના અહેવાલ મુજબ, CJI સૂર્યકાંત વકીલની દલીલો સાંભળવા માટે સંમત થયા, પરંતુ ચિંતા વ્યક્ત કરી કે જ્યારે ચૂંટણી નજીક હોય છે, ત્યારે રાજકીય લડાઈઓ પણ કોર્ટ સુધી પહોંચે છે. મુખ્ય ન્યાયાધીશે સુનાવણીની ખાતરી આપતા કહ્યું, અમે કેસ સાંભળીશું, પરંતુ સમસ્યા એ છે કે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તેનો એક ભાગ કોર્ટમાં લડવામાં આવે છે. અમે તમને તારીખ આપીશું.
૭ ફેબ્રુઆરીના રોજ, આસામ ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, પરંતુ થોડા સમય પછી તેને દૂર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, હિમંત બિસ્વા શર્મા રાઈફલ પકડીને જોવા મળ્યા હતા. એક AI-જનરેટેડ ભાગ પણ ઉમેરવામાં આવ્યો હતો, જેમાં દાઢી અને સફેદ ટોપી પહેરેલા બે માણસોને ગોળી મારવામાં આવી રહી હોવાની છબીઓ દર્શાવવામાં આવી હતી. વીડિયો સામે આવતાની સાથે જ કોંગ્રેસે તેનો સખત વાંધો ઉઠાવ્યો. વિપક્ષે સંસદમાં પણ તેના પર હોબાળો મચાવ્યો.
સીપીઆઈએમ અને અન્ની રાજાએ અલગ અલગ રિટ અરજીઓ દાખલ કરી છે, જેમાં નફરતભર્યા ભાષણ અને સાંપ્રદાયિક ધ્રુવીકરણનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં હિમંત બિસ્વા શર્મા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. તેમણે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની પણ વિનંતી કરી છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય તપાસ એજન્સીઓ પાસેથી નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની અપેક્ષા રાખી શકાય નહીં.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
