<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

કેનેડામાં વસેલા કન્નડ યુવાનની સરેઆમ ગોળી મારી હત્યા: "બેટા પાછો આવી જા..." માતા-પિતાની આજીજી પુત્ર ન માની અને વિદેશમાં જ ખેલાયો ખૂની ખેલ

ટોરોન્ટોના મોલના પાર્કિંગમાં ૩૭ વર્ષીય ચંદન કુમાર પર અજાણ્યા શખ્સોનો અંધાધૂંધ ગોળીબાર; કન્નડ સંગઠન બનાવવાના પ્રયાસો હત્યા પાછળનું કારણ હોવાની પરિવારને શંકા

 બેંગલુરુ : વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેનેડાના ટોરોન્ટોમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ૩૭ વર્ષીય ભારતીય આઈટી પ્રોફેશનલ ચંદન કુમારની સરેઆમ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બેંગલુરુ પાસેના નેલમંગલાના વતની ચંદન છેલ્લા સાત વર્ષથી કેનેડામાં સ્થાયી થયા હતા. એક વ્યસ્ત શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં જ્યારે તેઓ પોતાની કાર પાસે હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમને નિશાન બનાવી ગોળીઓ ઝીંકી દીધી હતી.
ચંદનના નિધનના સમાચાર મળતા જ તેમના વતન થ્યામાગોંડલુમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના પિતા નંદ કુમારે ડૂસકાં ભરતા જણાવ્યું કે, "અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવું થશે. અમે છેલ્લા ઘણા સમયથી તેને ભારત પાછા આવી જવા કહેતા હતા કારણ કે તેને વિદેશ ગયાને ઘણો સમય થઈ ગયો હતો, પણ તેણે અમારી વાત ન માની." હવે લાચાર પિતાએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેમના પુત્રના મૃતદેહને વતન લાવવામાં મદદ કરવામાં આવે જેથી તેઓ અંતિમ સંસ્કાર કરી શકે.
શું કન્નડ પ્રેમ જ બન્યો હત્યાનું કારણ?
આ હત્યા પાછળ એક ચોંકાવનારો એંગલ પણ સામે આવ્યો છે. ચંદનની માતાએ દાવો કર્યો છે કે તેમનો પુત્ર ટોરોન્ટોમાં 'કન્નડ એસોસિએશન' (કન્નડ સંગઠન) બનાવવા માટે ખૂબ જ સક્રિય હતો. પરિવારને શંકા છે કે તેની આ સામાજિક સક્રિયતા કોઈને ખૂંચી હશે અને તે જ તેની હત્યાનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ટોરોન્ટો પોલીસે આ ઘટનાને "લક્ષિત હુમલો" (Targeted Attack) ગણાવ્યો છે, એટલે કે હુમલાખોરો તેને જ મારવા આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ ચંદનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ કેનેડામાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.

(3:44 PM IST)