<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સંસદમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સ્પીકર ઓમ બિરલાને હટાવવા 118 સાંસદો મેદાનમાં, પણ રાહુલ ગાંધીના હસ્તાક્ષર કેમ નથી? જાણો અંદરની વાત

બજેટ સત્રમાં ભડકો: નેહરુ-કાશ્મીર મુદ્દે ગિરિરાજ સિંહના રાહુલ પર આકરા પ્રહારો; વિપક્ષે સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી, 'નરવણે પુસ્તક' વિવાદે પણ પકડ્યું જોર

નવી દિલ્હી : ભારતીય સંસદનું બજેટ સત્ર અત્યારે રાજકીય સંગ્રામનું મેદાન બની ગયું છે. આજે લોકસભામાં વિપક્ષી દળોએ એક મોટું કદમ ઉઠાવતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આ નોટિસ પર કુલ 118 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું નામ નથી.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ વ્યૂહાત્મક કારણોસર આ નોટિસ પર સહી કરી નથી. સંસદીય લોકશાહીની ગરિમા મુજબ, વિપક્ષના નેતા (LoP) પોતે સ્પીકરને હટાવવાની અરજી પર હસ્તાક્ષર કરે તે યોગ્ય ગણાતું નથી. જોકે, આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થતાં કાર્યવાહી વારંવાર મુલતવી રાખવી પડી હતી.
ગિરિરાજ સિંહનો પલટવાર: "નેહરુએ કાશ્મીર ગીરવે મૂક્યું"
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કાશ્મીર મુદ્દે રાહુલ ગાંધી અને જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે નેહરુએ પોતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે કાશ્મીર ગીરવે મૂક્યું અને બ્રિટિશરો સામે આત્મસમર્પણ કર્યું હતું. તેમણે ગૃહમાં જૂના ફોટા બતાવીને કહ્યું કે, "નેહરુજીના કારણે જ POK બન્યું અને મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ગયો."
નરવણે પુસ્તક વિવાદ અને સ્પીકર સામે રોષ
રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' ના મુદ્દાને ફરીથી ઉછાળ્યો છે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે પુસ્તકમાં સરકાર માટે અસુવિધાજનક વાતો હોવાથી તેને રોકવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ભાજપની મહિલા સાંસદોએ સ્પીકરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે વિપક્ષી સાંસદોએ ગૃહમાં વડાપ્રધાનની બેઠકનો ઘેરાવ કરીને લોકશાહીનું અપમાન કર્યું છે.
બજેટ પરની ચર્ચામાં મડાગાંઠ
રાજ્યસભામાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે બજેટને "જનતાની સ્મૃતિમાંથી ગાયબ થઈ જનારું કઠોર બજેટ" ગણાવ્યું હતું. તેમણે ખાસ કરીને મૂડી રોકાણમાં થઈ રહેલા ઘટાડા અને ખેતી ક્ષેત્રે ફાળવણીમાં કાપ મુદ્દે સરકારને ઘેરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે આ બજેટને આગામી 25 વર્ષનો 'વિઝન ડોક્યુમેન્ટ' ગણાવ્યો છે.

(3:46 PM IST)