<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં શરણાઈઓ ગુંજશે: સુપ્રિયા સુલેની લાડકવાયી રેવતીના નાગપુરના ઉદ્યોગપતિ સાથે લગ્ન નક્કી, નીતિન ગડકરીએ ભજવી 'મધ્યસ્થી'ની ભૂમિકા

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલી રેવતી અને કોલંબિયા બિઝનેસ સ્કૂલના ગ્રેજ્યુએટ સારંગ લાખાણી પ્રભુતામાં પગલાં પાડશે; બે દિગ્ગજ પરિવારો વચ્ચેના જોડાણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકીય અને સામાજિક ગલિયારાઓમાં અત્યારે એક હાઈ-પ્રોફાઇલ લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના વરિષ્ઠ નેતા સુપ્રિયા સુલે અને સદાનંદ સુલેની પુત્રી રેવતી સુલે ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહી છે. આ લગ્નના સમાચાર ત્યારે વાયુવેગે ફેલાયા જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી સ્મૃતિ શિંદેએ સોશિયલ મીડિયા પર આ નવયુગલને અભિનંદન પાઠવતી પોસ્ટ શેર કરી.
રેવતીના ભાવિ જીવનસાથી સારંગ અરુણ લાખાણી છે, જે નાગપુરના જાણીતા ઉદ્યોગપતિ અને વિશ્વરાજ ગ્રુપના ચેરમેન અરુણ લાખાણીના પુત્ર છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ હાઈ-પ્રોફાઈલ જોડાણ પાછળ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. રાજકીય મતભેદો બાજુ પર રાખીને પારિવારિક સંબંધો જોડવામાં આ દિગ્ગજ નેતાઓની મધ્યસ્થી અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે.
શિક્ષણ અને રમતગમતમાં અવ્વલ છે આ જોડી
રેવતી સુલેએ વિશ્વની પ્રતિષ્ઠિત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે. બીજી તરફ, વરરાજા સારંગ લાખાણી પણ ઉચ્ચ શિક્ષિત છે; તેમણે IIM બેંગ્લોરમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી MBA ની ડિગ્રી મેળવી છે. વ્યવસાય ઉપરાંત સારંગ એક કુશળ બેડમિન્ટન ખેલાડી પણ છે અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
જોકે, લગ્ન ક્યારે અને ક્યાં યોજાશે તેની સત્તાવાર વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ પવાર પરિવાર અને લાખાણી પરિવારના આ મિલનથી નાગપુર અને મુંબઈ વચ્ચે એક નવો કૌટુંબિક સેતુ બંધાયો છે. સોશિયલ મીડિયા પર અત્યારે સુપ્રિયા સુલે અને શરદ પવારના પૌત્રી-દોહિત્રી માટે અગણિત શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(3:46 PM IST)