<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

પુણે એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાંબી કતારોમાંથી મળશે મુક્તિ: 'ફાસ્ટ ટ્રેક' સિસ્ટમ માટે સરકારની મોટી તૈયારી, હવે મિનિટોમાં થશે ક્લિયરન્સ

કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલે આધુનિક ઇ-ગેટ્સ સુવિધા શરૂ કરવા મંત્રાલય સાથે મંત્રણા તેજ કરી; દર મહિને ઉડાન ભરતા 30,000 આંતરરાષ્ટ્રીય મુસાફરોને થશે મોટો ફાયદો

પુણે : પુણે એરપોર્ટ પરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ પર અવારનવાર સર્જાતી ઇમિગ્રેશનની લાંબી લાઈનો અને કલાકોની રાહ જોવાની સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે સંકેત આપ્યા છે કે પુણે એરપોર્ટ પર ટૂંક સમયમાં 'ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ' (FTI-TTP) શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલમાં પુણેથી દુબઈ અને બેંગકોક માટે સીધી ફ્લાઈટ્સ ચાલે છે, જેમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડા મુજબ, વર્ષ 2024ની સરખામણીએ 2025માં આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં 65% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. વધતી જતી ભીડને જોતા, મુસાફરો લાંબા સમયથી ઓટોમેટેડ ઇ-ગેટ્સની માંગ કરી રહ્યા હતા જેથી વિદેશથી ઉતરીને તરત જ ઘરે પહોંચી શકાય.
શું છે આ ફાસ્ટ ટ્રેક સિસ્ટમ?
આ સિસ્ટમ હેઠળ, મુસાફરોએ સરકારી પોર્ટલ પર એકવાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ એરપોર્ટ પર પહોંચતી વખતે તમારે કોઈ ઓફિસર પાસે ઉભા રહેવાને બદલે માત્ર તમારા પાસપોર્ટ અને બોર્ડિંગ પાસને 'ઇ-ગેટ' પર સ્કેન કરવાના રહેશે. બાયોમેટ્રિક વેરિફિકેશન થતાની સાથે જ દરવાજો આપમેળે ખુલશે અને તમે મિનિટોમાં ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો.
એરક્રાફ્ટના સંચાલનમાં પણ થશે સુધારો
ઇમિગ્રેશનમાં વિલંબ માત્ર મુસાફરોને જ નહીં પણ એરલાઇન્સને પણ નડે છે. જ્યાં સુધી બધા મુસાફરોનું ક્લિયરન્સ ન થાય ત્યાં સુધી સુરક્ષાના કારણોસર વિમાનને પાર્કિંગ બે માંથી ખસેડી શકાતું નથી. નવી સિસ્ટમ આવવાથી વિમાનની અવરજવર ઝડપી બનશે અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને પણ રાહત મળશે. નોંધનીય છે કે હાલમાં આ સુવિધા અમદાવાદ સહિત દેશના 13 મુખ્ય એરપોર્ટ પર કાર્યરત છે, જેમાં હવે પુણેનું નામ પણ જોડાઈ શકે છે.

(3:47 PM IST)