<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

લંડનમાં ભણવાનું ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હવે થશે સાકાર: કિંગ્સ કોલેજ લંડને રૂ. 5.40 લાખની સ્કોલરશિપ સાથે 'વાઇસ-ચાન્સેલર એવોર્ડ્સ'નો ત્રીજો રાઉન્ડ જાહેર કર્યો

સપ્ટેમ્બર 2026થી શરૂ થતા અભ્યાસક્રમો માટે પસંદગીના 40 તેજસ્વી વિદ્યાર્થીઓને ફીમાં મળશે માતબર રાહત; સામાજિક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા યુવાનો માટે સુવર્ણ તક

લંડન : વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં જેની ગણના થાય છે તેવી કિંગ્સ કોલેજ લંડન (KCL) દ્વારા ભારતમાં રહેતા અનુસ્નાતક (Postgraduate) વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ખુશખબર આપવામાં આવી છે. યુનિવર્સિટીએ તેના પ્રતિષ્ઠિત 'વાઇસ-ચાન્સેલર એવોર્ડ્સ' ના ત્રીજા વર્ષની સત્તાવાર જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના માર્ગમાં આવતા આર્થિક અવરોધોને દૂર કરવાનો છે, જેઓ પોતાની ડિગ્રી દ્વારા ભવિષ્યમાં સમાજ પર હકારાત્મક પ્રભાવ પાડવા માંગે છે.
આ નવીનતમ જાહેરાત મુજબ, સપ્ટેમ્બર 2026 થી લંડનમાં કેમ્પસ પર પૂર્ણ-સમયનો અભ્યાસ કરવા જઈ રહેલા ભારતના 40 ભાગ્યશાળી વિદ્યાર્થીઓને તેમની ટ્યુશન ફીમાં 5,000 પાઉન્ડ (આશરે રૂ. 5.40 લાખથી વધુ) નો સીધો ઘટાડો ઓફર કરવામાં આવશે. આ શિષ્યવૃત્તિ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓએ માત્ર શૈક્ષણિક દેખાવ જ નહીં, પરંતુ તેઓ તેમના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરીને સમાજને કેવી રીતે ઉન્નત બનાવશે તેનું મજબૂત વિઝન પણ રજૂ કરવું પડશે.
કિંગ્સ કોલેજ લંડનના વાઇસ-ચાન્સેલર અને પ્રમુખ પ્રોફેસર શિતિજ કપૂરે આ પ્રસંગે ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે, તેઓ પોતે ઉચ્ચ અભ્યાસ માટે દિલ્હીથી વિદેશ ગયા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને સમજે છે. તેમણે ઉમેર્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કિંગ્સના વાતાવરણમાં વિકાસ કરે અને સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવે. અમે સપ્ટેમ્બરમાં નવા એવોર્ડ વિજેતાઓને આવકારવા આતુર છીએ."
આ સ્કોલરશિપ આર્ટ્સ, લો, સાયકિયાટ્રી, બિઝનેસ સ્કૂલ, લાઈફ સાયન્સિસ, નેચરલ એન્ડ મેથેમેટિકલ સાયન્સિસ તેમજ સોશિયલ સાયન્સ જેવી વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. નોંધનીય છે કે 2024માં શરૂ થયા બાદ અત્યાર સુધીમાં આ એવોર્ડે 60 જેટલા વિદ્યાર્થીઓને ટેકો આપ્યો છે. 2026 ના રાઉન્ડ માટેની અરજી પ્રક્રિયા મે મહિનાના અંત સુધી ચાલશે, જેના માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે.

(3:48 PM IST)