<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

'અવિશ્વાસ પ્રસ્તાવ'ની નોટિસ, સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષનું 'બ્રહ્માસ્ત્ર': 120 સાંસદોની સહી, પણ રાહુલ ગાંધીએ અંતર કેમ રાખ્યું? જાણો સંસદના શિષ્ટાચારનું ગણિત

રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા ન દેતા વિપક્ષ લાલચોળ; પરંપરા અને ગરિમા જાળવવા રાહુલ ગાંધીએ ઠરાવ પર હસ્તાક્ષર ન કર્યા, સ્પીકરે ગૃહની કાર્યવાહીથી પોતાને કર્યા અલગ

નવી દિલ્હી, તા.10: ભારતીય સંસદના ઇતિહાસમાં અત્યંત વિરલ કહી શકાય તેવી ઘટના આજે લોકસભામાં જોવા મળી છે. વિપક્ષી દળોએ એકજૂથ થઈને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટે 'અવિશ્વાસ પ્રસ્તાવ'ની નોટિસ રજૂ કરી છે. કોંગ્રેસ, સપા અને ડીએમકે સહિતના વિપક્ષી ગઠબંધનના આશરે 120 સાંસદોએ આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, આ આખી લડાઈમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે વિપક્ષી નેતા રાહુલ ગાંધીની સહીની ગેરહાજરીએ.
કેમ રાહુલ ગાંધીએ સહી ન કરી?
ઘણાને આશ્ચર્ય થયું કે જે નેતા માટે વિપક્ષ લડી રહ્યો છે, તેમણે જ કેમ હસ્તાક્ષર ન કર્યા? પરંતુ કોંગ્રેસના સૂત્રોએ આ પાછળનું એક ગંભીર અને બંધારણીય કારણ આપ્યું છે. સંસદીય લોકશાહીમાં 'વિપક્ષી નેતા' (LoP) નું પદ અત્યંત ગરિમામય હોય છે. સંસદીય પરંપરા અને શિષ્ટાચાર મુજબ, વિપક્ષના નેતા સ્પીકર વિરુદ્ધના આવા કોઈ ઠરાવ પર પોતે હસ્તાક્ષર કરે તે યોગ્ય ગણાતું નથી. સ્પીકરની વ્યક્તિગત અને પદની ગરિમા જાળવવા માટે રાહુલ ગાંધીએ વ્યૂહાત્મક રીતે આ હસ્તાક્ષરથી અંતર રાખ્યું છે.
શા માટે આવ્યો આ અવિશ્વાસ પ્રસ્તાવ?
વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદોને બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે જણાવ્યું કે, "જાહેર મહત્વના મુદ્દાઓ પર વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તે લોકશાહી માટે ખતરો છે." વિપક્ષે એવો પણ દાવો કર્યો કે સ્પીકરે ગૃહમાં કોંગ્રેસના સભ્યો સામે પાયાવિહોણા અને ભ્રામક આરોપો લગાવ્યા છે.
ઓમ બિરલાએ ખુરશી છોડી
આ નોટિસ બાદ નૈતિકતાના ધોરણે સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ગૃહની કાર્યવાહીથી પોતાને અલગ કરી દીધા હતા. તેઓ સ્પીકરની ખુરશી પર બેઠા નહોતા અને પેનલના અન્ય સભ્યએ ગૃહનું સંચાલન કર્યું હતું. સામાન્ય રીતે સ્પીકર સામેનો આવો ઠરાવ લાવવા માટે 14 દિવસની પૂર્વ સૂચના આપવી પડે છે, જેના કારણે હવે આગામી દિવસોમાં સંસદમાં ભારે ખેંચતાણ જોવા મળી શકે છે.

(4:42 PM IST)