<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

એન્ટાર્કટિકાની બરફીલી ચાદર વચ્ચે વહે છે 'લોહીનો ધોધ': 100 વર્ષથી વૈજ્ઞાનિકો માટે કોયડો બનેલા આ 'બ્લડ ફોલ્સ'નું શું છે રહસ્ય?

માઈનસ 19 ડિગ્રી તાપમાનમાં પણ થીજતું નથી આ લાલ પાણી; 50 લાખ વર્ષ જૂના 'ટાઈમ કેપ્સ્યુલ' જેવા આ ધોધમાં છુપાયેલા છે પરગ્રહ પર જીવનના સંકેતો

એન્ટાર્કટિકા, તા.10: વિશ્વના સૌથી ઠંડા ખંડ એન્ટાર્કટિકામાં પ્રકૃતિનું એક એવું અચરજ જોવા મળે છે જે જોઈને કોઈ પણના રુંવાડા ઉભા થઈ જાય. સફેદ બરફના પહાડોની વચ્ચેથી જ્યારે લાલ ચટક રંગનો ધોધ વહેતો દેખાય, ત્યારે એવું લાગે જાણે ધરતીના ચીરા પડ્યા હોય અને તેમાંથી લોહી વહી રહ્યું હોય. આ રહસ્યમય જગ્યાને વૈજ્ઞાનિકો 'બ્લડ ફોલ્સ' (Blood Falls) તરીકે ઓળખે છે. મેકમુર્ડો ડ્રાય વેલીમાં ટેલર ગ્લેશિયર પાસેથી વહેતો આ ધોધ એક સદી કરતા પણ વધુ સમયથી સંશોધકો માટે કુતૂહલનો વિષય રહ્યો છે.
સૌ પ્રથમ 1911માં ભૂસ્તરશાસ્ત્રી થોમસ ગ્રિફિથ ટેલરે આ લાલ ધોધની શોધ કરી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે લાલ શેવાળને કારણે પાણીનો રંગ આવો છે, પરંતુ સત્ય કંઈક અલગ અને વધુ રોમાંચક છે. વાસ્તવમાં, આ ગ્લેશિયરની નીચે 50 લાખ વર્ષથી એક પ્રાચીન તળાવ દબાયેલું છે. આ તળાવના પાણીમાં મીઠાનું પ્રમાણ સામાન્ય દરિયાના પાણી કરતા બમણું છે, જેના કારણે તે -19°C જેવી હાડ થીજવતી ઠંડીમાં પણ જામતું નથી.
વિજ્ઞાનનો કરિશ્મા: કાટથી લાલ થાય છે પાણી
આ ધોધનો લાલ રંગ લોહી નથી, પણ રસાયણશાસ્ત્રનો એક અદભૂત નમૂનો છે. ગ્લેશિયરની નીચે છુપાયેલા આ પાણીમાં લોખંડ (આયર્ન) પુષ્કળ પ્રમાણમાં છે. જ્યારે આ પાણી બરફની તિરાડોમાંથી બહાર નીકળીને હવાના સંપર્કમાં આવે છે, ત્યારે લોખંડનું ઓક્સિડેશન થાય છે (જેમ લોખંડને કાટ લાગે ત્યારે તે લાલ થાય છે). આ પ્રક્રિયાને કારણે પાણી બહાર આવતા જ ઘટ્ટ લાલ રંગનું બની જાય છે, જે જોવામાં બિલકુલ તાજા લોહી જેવું લાગે છે.
અવકાશ વિજ્ઞાન માટે આશાનું કિરણ
વૈજ્ઞાનિકો આ ધોધને 'ટાઈમ કેપ્સ્યુલ' માને છે. આ અંધકારમય અને ઓક્સિજન વગરના ખારા પાણીમાં પણ અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો (Microbes) જીવંત છે. સંશોધકોનું માનવું છે કે જો આવા વિષમ વાતાવરણમાં પૃથ્વી પર જીવન શક્ય હોય, તો ગુરુના ચંદ્ર 'યુરોપા' જેવા બર્ફીલા ગ્રહો પર પણ જીવન હોઈ શકે છે. હાલમાં આબોહવા પરિવર્તનને કારણે પીગળી રહેલા બરફની આ ધોધ પર શું અસર થશે, તે જાણવા વૈજ્ઞાનિકો હેલિકોપ્ટર દ્વારા આ દુર્ગમ વિસ્તાર પર સતત નજર રાખી રહ્યા છે.

(4:42 PM IST)