હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી સર્જિકલ સ્ટ્રાઈક : મલેશિયાથી સ્કેનરને થાપ આપી લવાયેલું ₹30 કરોડનું હેરોઈન ઝડપાયું
કાર્બન પેપર અને ચાંદીના વરખના કવચમાં સાબુના પેકિંગમાં છુપાવીને લાવવામાં આવતો 6.8 કિલો નશીલો પદાર્થ જપ્ત : ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સતર્કતા દાખવીને ડ્રગ્સ તસ્કરીના આંતરરાષ્ટ્રીય રેકેટને નિષ્ફળ બનાવ્યું છે. મલેશિયાથી ફ્લાઇટમાં આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 30 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતું 6.8 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કર દ્વારા સુરક્ષા એજન્સીઓના આધુનિક સ્કેનર્સને છેતરવા માટે અપનાવવામાં આવેલી હાઈટેક પદ્ધતિ જોઈને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
કાર્બન પેપર અને ચાંદીના વરખનો ખેલ
તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા મુસાફરે હેરોઇનના જથ્થાને કુલ 29 જેટલા સાબુના પેકેજીંગ બોક્સમાં સંતાડ્યો હતો. એરપોર્ટ પર લાગેલા એક્સ-રે સ્કેનિંગ મશીન અને મેટલ ડિટેક્ટરમાં ડ્રગ્સ પકડાય નહીં તે માટે આરોપીએ દરેક પેકેટ પર ચાંદીના વરખ અને કાર્બન પેપરનું ખાસ પડ ચઢાવ્યું હતું. કાર્બન પેપરનો ઉપયોગ સ્કેનરના કિરણોને આરપાર જતાં રોકવા માટે કરવામાં આવ્યો હતો, જેથી સ્ક્રીન પર પ્રતિબંધિત પદાર્થની સાચી છબી ન દેખાય. જોકે, કસ્ટમ વિભાગના અધિકારીઓએ મુસાફરની શંકાસ્પદ હિલચાલ નોંધીને ઝીણવટભરી તપાસ કરતાં આ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
મલેશિયા કનેક્શનથી એજન્સીઓ દોડતી થઈ
સામાન્ય રીતે અગાઉ ગલ્ફ કે આફ્રિકન દેશોમાંથી ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા હતા, પરંતુ આ વખતે મલેશિયાથી ડ્રગ્સનો જથ્થો ઉતરતા તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ હવે ગુજરાતના હવાઈ માર્ગનો ઉપયોગ કરીને નશીલા પદાર્થો ઘુસાડવા માટે નવા રૂટ અને નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
કસ્ટમ વિભાગે હાલમાં જપ્ત કરેલા હેરોઇનના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં ચકાસણી માટે મોકલી આપ્યા છે. પકડાયેલા મુસાફરની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ ગુજરાતના કયા શહેરમાં પહોંચાડવાનું હતું અને આ નેટવર્ક પાછળ કયા મોટા માથાઓનો હાથ છે, તે દિશામાં વિવિધ એજન્સીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
