હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદીની મુલાકાત ટાણે જ મલેશિયામાં 'હાઈવોલ્ટેજ ડ્રામા': મંદિર વિવાદમાં કૂદી પડેલા કટ્ટરપંથીઓને પીએમ અનવર ઇબ્રાહિમે ખખડાવ્યા!
"હીરો બનવાની કોશિશ ન કરો, આ કાયદાનો દેશ છે" - મુસ્લિમ સંગઠનોની રેલી પર પ્રતિબંધ અને ૧૯ની ધરપકડ બાદ મલેશિયાના વડાપ્રધાને સ્ટેજ પરથી જ તોફાની તત્વોને આડે હાથ લીધા

કુઆલાલંપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયા મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયાના સંબંધોમાં નવી ઊંચાઈ જોવા મળી, પરંતુ પડદા પાછળ એક મોટું ધાર્મિક અને રાજકીય સંકટ ઉભું થયું હતું. મલેશિયાના કેટલાક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનોએ એક પ્રાચીન હિંદુ મંદિરને તોડી ત્યાં મસ્જિદ બનાવવાની માંગ સાથે બરાબર પીએમ મોદીના આગમન સમયે જ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી બગાડી શકે તેમ હોવાથી, મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે 'આયર્ન ફિસ્ટ' (કડક હાથે) નીતિ અપનાવી હતી. તેમણે માત્ર રેલી પર પ્રતિબંધ જ ન મૂક્યો, પરંતુ પીએમ મોદીના સ્વાગત પહેલાં જ સુરક્ષા એજન્સીઓને કામે લગાડી વિવાદાસ્પદ ઉપદેશક જમરી વિનોથ સહિત ૧૯ જેટલા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
આ ઘટના બાદ સોમવારે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમ અનવર ઇબ્રાહિમનો મિજાજ એકદમ ગરમ જોવા મળ્યો હતો. તેમણે આયોજકોને આકરા શબ્દોમાં ઠપકો આપતા સવાલ કર્યો કે, "શું તમે હીરો બનવા માંગો છો?" તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે મલેશિયા એક કાયદાથી ચાલતો દેશ છે અને અહીં ધર્મના નામે અશાંતિ ફેલાવનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. તેમણે ઇસ્લામનો હવાલો આપીને સમજાવ્યું કે જો તમારે સાચા મુસ્લિમ બનવું હોય તો લોકો સાથે સારો વ્યવહાર કરો અને ઉદાહરણ પૂરું પાડો, નહિ કે કોઈનું અપમાન કરીને કે દુર્વ્યવહાર કરીને ધર્મને બદનામ કરો. ઇબ્રાહિમનો આ કડક અંદાજ એ વાતનો પુરાવો હતો કે તેઓ ભારત સાથેના સંબંધોમાં કોઈ પણ આંતરિક કટ્ટરતાને આડખીલી બનવા દેવા માંગતા નથી.
સ્થાનિક સુરક્ષા એજન્સીઓ અને કુઆલાલંપુર પોલીસ વડા ફાદિલ માર્સુસના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવિત રેલી માત્ર મંદિર વિવાદ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તે જાતીય અને ધાર્મિક તણાવ પેદા કરીને દેશની શાંતિ ડહોળવાનો એક મોટો પ્રયાસ હતો. પોલીસને આ રેલી વિરુદ્ધ ટૂંકા ગાળામાં ૧૩૧ જેટલી ફરિયાદો મળી હતી, જેના પગલે સરકારે રાજદ્રોહ અને મલ્ટીમીડિયા કાયદા હેઠળ તપાસ તેજ કરી છે. મલેશિયામાં ગેરકાયદેસર પૂજા સ્થાનોનો વિવાદ જૂનો છે, પરંતુ પીએમ મોદીની મુલાકાત સમયે જ આવું કૃત્ય આચરવા પાછળના ઈરાદાઓ પર હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને સરકાર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વિકાસ માટે રાષ્ટ્રીય એકતા અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
