<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

બાંગ્લાદેશ માટે ટ્રમ્પનો 'માસ્ટરસ્ટ્રોક' કે મજબૂરી?: ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં જ ટેરિફમાં મોટી રાહત!

યુનુસ સરકાર અને ટ્રમ્પ વચ્ચે ૯ મહિનાની ખેંચતાણ બાદ વેપાર કરાર ફાઈનલ: અમેરિકી કપાસ વાપરશો તો જ કપડાં પર 'ઝીરો ટેરિફ'નો લાભ મળશે : ભારત સાથેના સોદા કરતા ૧% વધુ ટેરિફ

ઢાકા:   બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના બરાબર ૪૮ કલાક પહેલાં મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે અમેરિકા સાથે એક મોટો વેપાર સોદો પાર પાડ્યો છે. લાંબી વાટાઘાટો અને અમેરિકા દ્વારા અગાઉ આપવામાં આવેલી ૩૭ ટકા ટેરિફની ધમકીઓ વચ્ચે, આખરે ટ્રમ્પ વહીવટીતંત્રે બાંગ્લાદેશી આયાત પર ૧૯ ટકા ટેરિફ નક્કી કર્યો છે. ઓગસ્ટમાં ૨૦ ટકા સુધી પહોંચેલા ટેરિફમાં વધુ ૧ ટકાનો ઘટાડો કરીને ટ્રમ્પે બાંગ્લાદેશને ભલે નાની રાહત આપી હોય, પરંતુ ચૂંટણીના માહોલમાં યુનુસ સરકાર માટે આ એક મોટી રાજદ્વારી જીત સમાન માનવામાં આવી રહી છે. જોકે, આ કરારમાં ભારતનો ટેરિફ ૧૮ ટકા હોવાથી, બાંગ્લાદેશ હજુ પણ ભારત કરતા ૧ ટકા પાછળ છે.

આ વેપાર કરારની સૌથી મોટી અને આકર્ષક બાબત 'શૂન્ય ટેરિફ'ની જોગવાઈ છે, પરંતુ તેની પાછળ અમેરિકાએ એક મોટી શરત મૂકી છે. બાંગ્લાદેશી ગાર્મેન્ટ ઉદ્યોગપતિઓ જો અમેરિકન કપાસ અથવા અમેરિકામાં બનેલા માનવસર્જિત રેસા (Fiber)નો ઉપયોગ કરીને કપડાં બનાવશે, તો જ તેમને અમેરિકી બજારમાં ડ્યુટી-ફ્રી એટલે કે શૂન્ય ટકા ટેરિફ પર એક્સેસ મળશે. આ શરતને કારણે બાંગ્લાદેશના ગાર્મેન્ટ સેક્ટરને મોટો ફાયદો તો થશે જ, સાથે સાથે અમેરિકાના કપાસ ઉદ્યોગને પણ બાંગ્લાદેશના રૂપમાં એક કાયમી ગ્રાહક મળી જશે. યુનુસે આ સોદાને રોજગાર સુરક્ષા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં બાંગ્લાદેશનું સ્થાન મજબૂત કરવા માટેનું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.

બાંગ્લાદેશનું અર્થતંત્ર તેના ગાર્મેન્ટ સેક્ટર પર ટકેલું છે, જે કુલ નિકાસના ૮૦ ટકા હિસ્સો ધરાવે છે અને આશરે ૪૦ લાખ લોકોને રોજગારી આપે છે. શેખ હસીનાના પતન પછી ઓગસ્ટ ૨૦૨૪થી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ચૂંટણી પહેલાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે આ આર્થિક સમાચાર રાહત લાવનારા છે. એક તરફ ઢાકાની ગલીઓમાં પક્ષકારો વચ્ચે હિંસક અથડામણો થઈ રહી છે, જેમાં ૪૦થી વધુ લોકો ઘાયલ થયા છે, ત્યારે બીજી તરફ વચગાળાની સરકાર આ કરાર દ્વારા દેશમાં આર્થિક સ્થિરતાનો વિશ્વાસ જગાડવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ 'અમેરિકન મટીરિયલ' વાળી શરત બાંગ્લાદેશના સ્થાનિક ઉત્પાદકો માટે ખરેખર નફાકારક સાબિત થાય છે કે નહીં.

(6:28 PM IST)