<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

જાપાન પર કુદરતનો 'સફેદ કહેર': ૨૧મી સદીના સૌથી ભયાનક હિમવર્ષામાં આખું રાષ્ટ્ર થીજી ગયું, નાસાની તસવીરો જોઈ દુનિયામાં ફાળ પડી!

માઈનસ ડિગ્રી તાપમાન અને ૨ મીટર ઉંચા બરફના પહાડો વચ્ચે જિંદગીની જંગ: હોક્કાઇડો અને આઓમોરીમાં સેના તૈનાત: સાઇબિરીયાના ઠંડા પવનોએ જાપાનને બનાવ્યું 'બરફનું સ્ટેચ્યુ'

ટોક્યો:  જાપાન અત્યારે કુદરતના એક એવા રૌદ્ર સ્વરૂપનો સામનો કરી રહ્યું છે જેણે ૨૧મી સદીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નાસાના 'ટેરા' સેટેલાઇટે અવકાશમાંથી જે તસવીરો મોકલી છે, તેમાં આખું જાપાન બરફની જાડી સફેદ ચાદરમાં લપેટાયેલું દેખાય છે, જાણે પૃથ્વી પરથી આખો દેશ જ ગાયબ થઈ ગયો હોય! ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લેવાયેલી આ તસવીરોમાં જમીન અને આકાશ વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની ગયો છે. સાઇબિરીયાથી આવતા કાતિલ ઠંડા પવનો જ્યારે જાપાનના ગરમ સમુદ્ર પરથી પસાર થયા, ત્યારે એવી 'સમુદ્ર-અસર' (Sea-Effect) સર્જાઈ કે હોક્કાઇડો અને આઓમોરી જેવા શહેરોમાં જોતા જોતામાં ૨ મીટરથી વધુ બરફના થર જામી ગયા, જેમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્થિતિ એટલી હદે વણસી છે કે જાપાનની હાઈ-ટેક બુલેટ ટ્રેનોના પૈડાં થંભી ગયા છે અને એરપોર્ટ રનવે બરફના મેદાનમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર હજારો વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા અને લોકો ગાડીઓમાં જ કેદ થઈ ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જાપાન સરકારે આખરે સેનાને મેદાનમાં ઉતારવી પડી છે. સૈનિકો અત્યારે ઘરની છત પર જામેલા ટનબંધ બરફને હટાવવાની કામગીરી કરી રહ્યા છે જેથી મકાનો ધરાશાયી થતા અટકાવી શકાય. પશ્ચિમ જાપાનમાં તો રાષ્ટ્રીય ચૂંટણીના મતદાન મથકો પણ કુદરત સામે ઝૂકી ગયા અને મતદાન અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું.

વૈજ્ઞાનિકો માટે આ માત્ર એક કુદરતી આફત નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગની ગંભીર ચેતવણી છે. નાસાના ડેટા મુજબ, ૧૯૭૦થી દર દાયકે દરિયાઈ બરફમાં 3.4% નો ઘટાડો નોંધાયો છે. એક તરફ સમુદ્રનો બરફ પીગળી રહ્યો છે અને બીજી તરફ વાતાવરણમાં ભેજ વધવાને કારણે આવી અસાધારણ હિમવર્ષા થઈ રહી છે. હોક્કાઇડોના સક્રિય જ્વાળામુખીઓ અને વિશાળ તળાવો અત્યારે બરફ નીચે દટાયેલા છે, જે પર્યાવરણમાં આવી રહેલા ભયાનક પરિવર્તનનો પુરાવો છે. જાપાનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ હજુ પણ વધુ હિમવર્ષાની આગાહી કરી છે, જેના કારણે લાખો લોકો અત્યારે ઘરોમાં કેદ થઈને આ કુદરતી આફત શાંત થવાની રાહ જોઈ રહ્યા છે.

(8:25 PM IST)