હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્યામાં કુદરતનો પ્રકોપ: ૨૦ લાખ લોકોના અસ્તિત્વ સામે જોખમ : આસમાની આફતે પશુધનને 'હાડપિંજર' બનાવી દીધા!
હવામાન પરિવર્તનને કારણે વરસાદી ચક્ર ખોરવાતા આફ્રિકન દેશોમાં ત્રાહિમામ: પાણી અને ખોરાક માટે ભટકતા પરિવારો અને કુપોષણનો શિકાર બનેલા બાળકોની કરૂણ ગાથા

નૈરોબી : કેન્યા અત્યારે ઇતિહાસના સૌથી ભયાનક દુષ્કાળનો સામનો કરી રહ્યું છે, જ્યાં ૨૦ લાખથી વધુ લોકો ભૂખમરાની કગાર પર આવી ગયા છે. આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ અને વર્ષોથી ગુમ થયેલા વરસાદે ઉત્તર-પૂર્વીય કેન્યાની ધરતીને ચીરી નાખી છે. ખાસ કરીને સોમાલિયાની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે ત્યાં પશુપાલકોનું એકમાત્ર આજીવિકાનું સાધન એવા પશુઓ પાણી અને ઘાસચારાના અભાવે ટપોટપ મરી રહ્યા છે. રસ્તાઓ પર પડેલા પ્રાણીઓના હાડપિંજર આબોહવા પરિવર્તનનીએ ભયાનકતાને ઉજાગર કરે છે, જેની અસર માત્ર પ્રકૃતિ પર જ નહીં પણ લાખો માનવ જિંદગીઓ પર પડી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ આરોગ્ય સંગઠન ના અહેવાલો મુજબ, કેન્યાની ૧૦ થી વધુ કાઉન્ટીઓ આ દુષ્કાળની ચપેટમાં છે, જેમાં મંડેરા કાઉન્ટીમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીંની જમીન એટલી સૂકી થઈ ગઈ છે કે ખેતી તો દૂર, પીવાનું શુદ્ધ પાણી મેળવવું પણ એક મોટો સંઘર્ષ બની ગયું છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર બાળકો પર પડી રહી છે, જેઓ ગંભીર કુપોષણનો શિકાર બની રહ્યા છે. રાહત સંસ્થાઓ સતત મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જરૂરિયાત એટલી વિશાળ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે સહાયની જરૂરિયાત ઊભી થઈ છે.
માત્ર કેન્યા જ નહીં, પરંતુ આ દુષ્કાળની આગ હવે સોમાલિયા, તાંઝાનિયા અને યુગાન્ડા સુધી ફેલાઈ ચૂકી છે. આફ્રિકાના આ દેશોમાં વરસાદની ઋતુ સતત ટૂંકી થઈ રહી છે, જેને કારણે પરંપરાગત ખેતી અને પશુપાલન પડી ભાંગ્યું છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આ પ્રકારની 'માનવસર્જિત આપત્તિઓ' વારંવાર આવતી રહેશે. હાલમાં, કેન્યાના લાખો લોકો એક ટીપા પાણી અને એક કોળિયા અન્ન માટે દુનિયાની સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે, જ્યાં જીવન બચાવવું એ જ હવે સૌથી મોટો પડકાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
