<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રેલવેની UTS એપનો 'ધ એન્ડ': ૧ માર્ચથી ટિકિટ બુકિંગના નિયમો બદલાયા : હવે માત્ર આ એક જ એપ આપશે બધી સુવિધાઓ!

રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય: UTS એપ બંધ થશે અને 'RailOne' એપ બનશે મુસાફરોનો નવો સાથી : R-Wallet માં પડેલા તમારા પૈસાનું શું થશે? જાણો સંપૂર્ણ વિગતો

નવી દિલ્હી:  ભારતીય રેલવે હવે ડિજિટલ ક્રાંતિના એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે. અત્યાર સુધી લોકલ અને અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા માટે વપરાતી લોકપ્રિય 'UTS' એપ આગામી ૧ માર્ચ, ૨૦૨૬થી હંમેશા માટે કાર્યરત રહેશે નહીં. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે મુસાફરોની સુવિધા માટે હવે અલગ-અલગ એપ્સ રાખવાને બદલે 'RailOne' (રેલવન) નામની એક જ સંકલિત એપ લોન્ચ કરવામાં આવી છે. ૧ માર્ચ પછી જો તમે UTS એપ અપડેટ કરશો તો પણ તેમાંથી ટિકિટ બુક કરી શકશો નહીં કે વોલેટ રિચાર્જ કરી શકશો નહીં. આ ફેરફારનો મુખ્ય હેતુ મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર રિઝર્વેશનથી લઈને ફૂડ ઓર્ડર સુધીની તમામ સેવાઓ પૂરી પાડવાનો છે.

ઘણા મુસાફરોને ચિંતા હતી કે તેમના UTS R-Wallet માં પડેલા પૈસાનું શું થશે? રેલવેએ આ બાબતે મોટી રાહત આપતા સ્પષ્ટતા કરી છે કે તમારું બેલેન્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે તમે RailOne એપમાં લોગ-ઇન કરશો, ત્યારે તમારું જૂનું R-Wallet બેલેન્સ આપમેળે ત્યાં ટ્રાન્સફર થઈ જશે. આ નવી એપ માત્ર ટિકિટ બુકિંગ પૂરતી મર્યાદિત નથી; તેમાં લાઈવ ટ્રેન સ્ટેટસ, પ્લેટફોર્મ નંબરની જાણકારી, PNR ટ્રેકિંગ અને કોચ પોઝિશન જેવી માહિતી પણ એક જ ક્લિક પર મળશે. આ સિવાય, મુસાફરો હવે ચાલુ ટ્રેને પોતાની સીટ પર ગમતું ભોજન પણ આ એપ દ્વારા ઓર્ડર કરી શકશે.

રેલવેએ ખાસ કરીને વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત જેવી પ્રીમિયમ ટ્રેનો માટે ટિકિટ કેન્સલેશન અને રિફંડની નીતિમાં પણ ફેરફાર કર્યો છે, જેની વિગતો RailOne એપ પર ઉપલબ્ધ કરાવાઈ છે. ૧ માર્ચની ડેડલાઈન પહેલા રેલવેએ તમામ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે નવી એપ પર શિફ્ટ થઈ જવા વિનંતી કરી છે જેથી મુસાફરી દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે. આ નવી સિસ્ટમથી રેલવે પ્રશાસનને ટિકિટિંગમાં થતી ગેરરીતિઓ રોકવામાં અને ડેટા મેનેજમેન્ટમાં મોટી મદદ મળશે. હવે રેલવે મુસાફરી વધુ 'સ્માર્ટ' અને પેપરલેસ બનવા જઈ રહી છે.

(8:31 PM IST)