<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

બારાબંકીમાં યોગીના તેજાબી તેવર: બાબરીનું સપનું જોનારાઓને સીધી ચેતવણી, "યાદ રાખજો, કયામતનો દિવસ ક્યારેય નહીં આવે!", કાયદો તોડનારાઓ માટે નર્કનો દરવાજો ખુલ્લો

રામ ભક્તો પર ગોળી ચલાવનારા દેશદ્રોહીઓ માટે યુપીમાં કોઈ સ્થાન નથી; સીએમ યોગીનો હુંકાર- "જેમણે રામ સાથે દગો કર્યો, ભગવાન તેમને ભૂલી ગયા", સાત પેઢીઓ યાદ રાખે તેવી સજા આપવાની આપી ચીમકી

બારાબંકી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બારાબંકીમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. શ્રી રામ જાનકી મંદિરમાં આયોજિત મહાયજ્ઞમાં હાજરી આપ્યા બાદ એક જંગી જનસભાને સંબોધતા તેમણે વિપક્ષ અને કટ્ટરપંથી તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે લોકો આજે પણ બાબરી ઢાંચાના પુનઃનિર્માણના સપના જોઈ રહ્યા છે, તેઓ જાણી લે કે એ 'કયામતનો દિવસ' ક્યારેય આવવાનો નથી.
મુખ્યમંત્રીએ કડક સૂરમાં જણાવ્યું હતું કે, "ભારતમાં રહેવું હોય તો નિયમો અને કાયદાનું પાલન કરવું પડશે. જે લોકો કાયદાના રસ્તે ચાલશે તેમને જ ફાયદો થશે, પરંતુ જેઓ કાયદો તોડવાની કોશિશ કરશે, તેમનો રસ્તો સીધો 'નર્ક' તરફ જાય છે. જો કોઈ કાયદો તોડીને સ્વર્ગના સપના જોતું હોય, તો તે ક્યારેય પૂરું નહીં થાય."
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, અમે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે. તેમણે તકવાદી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, "કેટલાક લોકો સંકટ સમયે જ રામને યાદ કરે છે, પણ ભગવાન રામ હવે તેમને ભૂલી ગયા છે. રામ ભક્તો પર ગોળીબાર કરનારાઓ અને રામના કાર્યમાં અવરોધ ઉભો કરનારાઓ માટે હવે આ દેશમાં કોઈ જગ્યા નથી."
સીએમ યોગીએ ૨૦૧૭ પહેલાની અખિલેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તે સમયે યુપીમાં ન તો દીકરીઓ સુરક્ષિત હતી, ન તો વેપારીઓ કે મંદિરો. દર ત્રીજા દિવસે દંગા થતા અને કર્ફ્યુ લાગતો હતો. તેમણે કહ્યું, "પહેલા સૂર્યાસ્ત પછી જો ઘરનો સભ્ય પાછો ન ફરે તો પરિવાર ફાળમાં જીવતો હતો. આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ગરીબની જમીન પર કોઈ કબજો કરી શકતું નથી. જો કોઈ હિંમત કરશે, તો તેને એવી સજા મળશે કે તેની સાત પેઢીઓ તેને યાદ રાખશે."
તેમણે અંતમાં ઉમેર્યું કે જે લોકો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા જોઈ શકતા નથી, તેઓ જ કાવતરાં કરી રહ્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશ હવે સુરક્ષા અને સુશાસનનું મોડેલ બની ગયું છે. કાયદો તોડનારાઓને હવે બક્ષવામાં આવશે નહીં અને દરેક નાગરિકની સુરક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

(9:01 PM IST)