News of Tuesday, 10th February 2026
બરફીલા આર્કટિકમાં વધશે નાટોની તાકાત: ગ્રીનલેન્ડ વિવાદ બાદ ટ્રમ્પ અને સાથી દેશો વચ્ચે સહમતી, ટૂંક સમયમાં શરૂ થશે હાઈ-ટેક 'આર્કટિક સેન્ટ્રી મિશન'
રશિયા અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે બ્રસેલ્સમાં ઘડાઈ રણનીતિ; ડ્રોન, યુદ્ધ જહાજો અને હવાઈ સંસાધનો દ્વારા ઉત્તર ધ્રુવ પર રખાશે બાજ નજર, આ અઠવાડિયે થઈ શકે છે સત્તાવાર જાહેરાત

બ્રસેલ્સ : વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ એવા આર્કટિકમાં હવે સૈન્ય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન સાથી દેશો વચ્ચે ગ્રીનલેન્ડ મુદ્દે ચાલી રહેલા તણાવના સુખદ અંત બાદ, નાટો (NATO) હવે 'આર્કટિક સેન્ટ્રી મિશન' લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પાંચ મહત્વપૂર્ણ સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, આ મિશનનો હેતુ આર્કટિક પ્રદેશમાં નાટોની દેખરેખ અને લશ્કરી સંપત્તિમાં ધરખમ વધારો કરવાનો છે.
બ્રસેલ્સમાં યોજાનારી સંરક્ષણ પ્રધાનોની બેઠક દરમિયાન આ મિશનની સત્તાવાર જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે. આ મિશન હેઠળ નાટો નવા દળો ઉતારવાને બદલે, આ વિસ્તારમાં પહેલેથી જ હાજર સંસાધનોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
રશિયા અને ચીન સામે સુરક્ષા કવચ
આ મિશન પાછળનું મુખ્ય કારણ આર્કટિક ક્ષેત્રમાં રશિયાની વધતી લશ્કરી ગતિવિધિઓ અને ચીનનો વધતો રસ છે. નાટોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પગલું જોડાણના ડિટરન્સ (Deterrence) અને સંરક્ષણ વ્યૂહરચનાનો એક ભાગ છે. હાઈ-ટેક ડ્રોન, અદ્યતન યુદ્ધ જહાજો અને હવાઈ ક્ષમતાઓ દ્વારા આ વ્યૂહાત્મક પ્રદેશમાં કોઈપણ હિલચાલ પર સતત નજર રાખવામાં આવશે.
ટ્રમ્પ અને રુટ વચ્ચેની સમજૂતી બાદ વેગ
ગયા અઠવાડિયે દાવોસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નાટો ચીફ માર્ક રુટ વચ્ચેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ આ આયોજનને વેગ મળ્યો છે. અગાઉ, ગ્રીનલેન્ડને ખરીદવાની ટ્રમ્પની મહત્વાકાંક્ષાને કારણે ડેનમાર્ક અને અન્ય સાથી દેશો સાથે સંબંધો વણસ્યા હતા, પરંતુ હવે 'આર્કટિક સેન્ટ્રી' દ્વારા સંયુક્ત સુરક્ષા પર સહમતી સધાઈ હોય તેમ લાગે છે.
આયોજન અંતિમ તબક્કામાં
નાટોના સુપ્રીમ એલાઇડ કમાન્ડર જનરલ એલેક્સસ ગ્રીન્કેવિચે પુષ્ટિ કરી છે કે આયોજન હવે "અંતિમ તબક્કામાં" છે. તેઓ વર્જિનિયાના નોર્ફોકમાં મિશન બ્રીફિંગ મેળવ્યા બાદ, આ અઠવાડિયાના અંત સુધીમાં મિશનની રૂપરેખા જાહેર કરી શકે છે. આર્કટિકમાં નાટોની આ સક્રિયતા ભવિષ્યમાં વૈશ્વિક સંરક્ષણ સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
