હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટક કોંગ્રેસમાં 'બજેટ' વચ્ચે 'બગાવત'ની ગંધ? મહત્વની બેઠક છોડી ડી.કે. શિવકુમાર દિલ્હી રવાના, સિદ્ધારમૈયાએ કહ્યું- "હાઈકમાન્ડનો નિર્ણય જ અંતિમ"
રાજ્યના બજેટની તૈયારીઓ વચ્ચે ડેપ્યુટી સીએમની ગેરહાજરીએ અટકળોને આપ્યો વેગ; આસામ ચૂંટણીનું બહાનું કે મુખ્યમંત્રી પદ માટેની ખેંચતાણ? જાણો કર્ણાટકના રાજકારણમાં સર્જાયેલી આંતરિક ગરમાગરમીની વિગતો

બેંગલુરુ : કર્ણાટક કોંગ્રેસમાં સત્તાના સૂત્રો કોના હાથમાં રહેશે તે મુદ્દે ફરી એકવાર રાજકીય ડ્રામા શરૂ થયો છે. રાજ્યમાં વાર્ષિક બજેટની તૈયારીઓ માટે અત્યંત મહત્વની ગણાતી બેઠક આજે યોજાઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર તેમાં હાજર રહેવાને બદલે અચાનક દિલ્હી રવાના થઈ ગયા છે. શિવકુમારની આ ગેરહાજરીએ વિપક્ષો અને રાજકીય વિશ્લેષકોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શિવકુમારે તેમને પત્ર લખીને જાણ કરી છે કે તેઓ આસામ વિધાનસભા ચૂંટણી અંગેની હાઈકમાન્ડની બેઠકમાં હાજરી આપવા દિલ્હી જઈ રહ્યા છે. જોકે, બજેટ જેવી ગંભીર બેઠક છોડીને જવું એ પક્ષની આંતરિક ખેંચતાણ તરફ ઈશારો કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
"વારંવાર મને શા માટે પૂછો છો?" - સિદ્ધારમૈયાનો રોષ
જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રીને નેતૃત્વ પરિવર્તન અથવા શિવકુમારના નિવેદનો અંગે પ્રશ્ન પૂછ્યો, ત્યારે સિદ્ધારમૈયા ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કડક લહેજામાં કહ્યું, "તમે વારંવાર આ જ સવાલ કેમ પૂછો છો? જો શિવકુમાર કંઈ કહે છે, તો જઈને તેમને જ પૂછો. હાઈકમાન્ડ જે નક્કી કરશે તે જ અંતિમ હશે." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ જ્યાં સુધી હાઈકમાન્ડ તેમને ન બોલાવે ત્યાં સુધી દિલ્હી જશે નહીં.
આસામ ચૂંટણીનું મિશન કે દિલ્હી દરબારમાં શક્તિપ્રદર્શન?
ડી.કે. શિવકુમારને આસામ ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવ્યા છે, પરંતુ કર્ણાટકમાં તેમની વધતી મહત્વાકાંક્ષા કોઈનાથી છુપાયેલી નથી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બજેટ પહેલા જ તેઓ દિલ્હી જઈને પોતાનો પક્ષ રજૂ કરવા માંગે છે. સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચેના 'પાવર સ્ટ્રગલ' (સત્તા સંઘર્ષ) ને કારણે કર્ણાટક કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાયેલી દેખાઈ રહી છે.
હવે જોવાનું એ રહેશે કે શિવકુમારની દિલ્હી મુલાકાત બાદ હાઈકમાન્ડ કર્ણાટકના નેતૃત્વના વિવાદ પર પૂર્ણવિરામ મૂકે છે કે પછી આ વિવાદ બજેટ સત્ર દરમિયાન પણ ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
