હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશમાં બાળકોની હેરાફેરી પાછળ કોઈ મહાજાળ?: સુપ્રીમ કોર્ટની કેન્દ્રને કડક તાકીદ , "ગેંગ છે કે ગુનાખોરી, સત્ય શોધો!"
દર આઠ મિનિટે એક બાળક ગુમ થવાના આંકડાથી ન્યાયતંત્ર સ્તબ્ધ: ૧૨ રાજ્યોએ ડેટા છુપાવતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ : બચાવેલા બાળકોના ઈન્ટરવ્યુ લઈને દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા આદેશ

નવી દિલ્હી: ભારતમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ માત્ર આંકડા નથી, પરંતુ એક ગંભીર રાષ્ટ્રીય કટોકટી બની રહી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે મંગળવારે આ મામલે કેન્દ્ર સરકારને અત્યંત મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે શું આ ઘટનાઓ પાછળ કોઈ દેશવ્યાપી ગેંગ (Pan-India Gang) અથવા કોઈ ચોક્કસ રાજ્યમાં સક્રિય જૂથોનો હાથ છે? કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે તેઓ દેશના વિવિધ ભાગોમાંથી ડેટા એકત્રિત કરે અને તેનું વિશ્લેષણ કરે કે શું આ અપહરણોમાં કોઈ સમાન 'પેટર્ન' જોવા મળે છે. દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે લગભગ એક ડઝન (૧૨) રાજ્યોએ હજુ સુધી ગુમ થયેલા બાળકોનો સંપૂર્ણ ડેટા કેન્દ્ર સાથે શેર કર્યો નથી. આનાથી નારાજ થઈને કોર્ટે કહ્યું કે જો રાજ્યો સહકાર નહીં આપે તો કડક આદેશો પસાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એક નવીન સૂચન આપતા કહ્યું કે, જે બાળકોને માનવ તસ્કરી ના ચુંગાલમાંથી બચાવી લેવામાં આવ્યા છે, તેમના ઇન્ટરવ્યુ લેવા જોઈએ. આનાથી એ જાણી શકાશે કે તેમને કોણે પકડ્યા હતા, ક્યાં લઈ જવામાં આવ્યા હતા અને આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે.
'ગુડિયા સ્વયંસેવક સંસ્થાન' નામની NGO દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પરની આ સુનાવણીમાં કોર્ટે દત્તક લેવાની પ્રક્રિયાની જટિલતા પર પણ પ્રહારો કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે ભારતમાં કાયદેસર રીતે બાળક દત્તક લેવું એટલું મુશ્કેલ છે કે લોકો મજબૂરીમાં ગેરકાયદેસર માધ્યમો અથવા 'બાળકોના બજાર' તરફ વળે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી દત્તક લેવાની પ્રક્રિયા સરળ નહીં બને, ત્યાં સુધી બાળકોની તસ્કરી પર લગામ લગાવવી મુશ્કેલ છે. હવે કેન્દ્ર સરકારે ૧૮ નવેમ્બર ૨૦૨૫ના અગાઉના આદેશોનું પાલન કરીને તમામ રાજ્યો પાસેથી ૬ વર્ષનો ડેટા મેળવીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે, જેથી આ અદ્રશ્ય ગેંગના મૂળ સુધી પહોંચી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
