<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

તેલંગાણામાં ભાજપનો 'માસ્ટરસ્ટ્રોક': ઓવૈસીના ૫૦ વર્ષ જૂના ગઢમાં પહેલીવાર ઉતાર્યો મુસ્લિમ ઉમેદવાર, કરીમનગરમાં હાર-જીતનો જંગ બન્યો રસપ્રદ!

કેન્દ્રીય મંત્રી બંદી સંજયના નેતૃત્વમાં લેવાયો મોટો નિર્ણય; ફૂલોની દુકાન ચલાવતા મોહમ્મદ ઇનાયત અલી ૯૮ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વોર્ડમાં લહેરાવશે ભગવો? ૧૧ ફેબ્રુઆરીએ મતદાન

હૈદરાબાદ : તેલંગાણાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હૈદરાબાદ અને કરીમનગરમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના દબદબાને પડકારવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક એવી ચાલ ચાલી છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કરીમનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે તેના ઈતિહાસમાં પહેલીવાર એક મુસ્લિમ ચહેરા, મોહમ્મદ ઇનાયત અલીને મેદાનમાં ઉતારીને બધાને ચોંકાવી દીધા છે.
વોર્ડ નંબર ૩૨, જે છેલ્લા પાંચ દાયકાથી એટલે કે લગભગ ૫૦ વર્ષથી AIMIM નો અજેય ગઢ રહ્યો છે, ત્યાં ભાજપે ઇનાયત અલી પર દાવ ખેલ્યો છે. આ વોર્ડમાં લગભગ ૯૮ ટકા વસ્તી મુસ્લિમ છે અને કુલ ૫,૦૩૦ મતદારો છે. ભાજપે અત્યાર સુધી આ વોર્ડમાં ક્યારેય ઉમેદવાર ઉતારવાની હિંમત કરી નહોતી, પણ આ વખતે સ્થિતિ અલગ છે.
આ ઐતિહાસિક નિર્ણય પાછળ કરીમનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારનું મગજ હોવાનું માનવામાં આવે છે. પોતાના કટ્ટર હિન્દુત્વવાદી પ્રવચનો માટે જાણીતા બંદી સંજયે પોતે ઇનાયત અલીને ટિકિટ આપીને એ સંદેશ આપ્યો છે કે ભાજપ મુસ્લિમોની વિરુદ્ધ નથી, પણ ઓવૈસીના રાજકારણની વિરુદ્ધ છે. ઇનાયત અલીએ જણાવ્યું કે, બંદી સંજયે તેમને ખાતરી આપી છે કે જો તેઓ જીતશે તો આ પછાત વિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ પહોંચાડવામાં આવશે.
૫૦ વર્ષીય ઇનાયત અલી એક સામાન્ય માણસ છે જે ફૂલોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ઉદ્યોગપતિ જ નથી, પણ 'સૂફી સંવાદ' ના તેલંગાણા પ્રમુખ પણ છે. આ ભાજપ લઘુમતી મોરચાની એક પહેલ છે જે મુસ્લિમ સમુદાયના ઉદારવાદી વર્ગને પક્ષ સાથે જોડવાનું કામ કરે છે. ઇનાયત અલી અને બંદી સંજય વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો છે, જે હવે રાજકીય ભાગીદારીમાં ફેરવાયો છે.
ભાજપના આ અણધાર્યા પગલા બાદ ઓવૈસીની પાર્ટીમાં પણ દોડધામ મચી ગઈ છે. પોતાના ગઢને બચાવવા માટે AIMIM એ તેલંગાણાની બહારના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે કરીમનગર બોલાવ્યા છે. આ ચૂંટણી હવે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની સીટ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભાજપના 'સબકા સાથ, સબકા વિકાસ' ના નારાની મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કસોટી સમાન બની ગઈ છે. આવતીકાલે એટલે કે ૧૧ ફેબ્રુઆરીએ થનારું મતદાન નક્કી કરશે કે ઓવૈસીનો ગઢ અકબંધ રહેશે કે ભાજપ નવો ઈતિહાસ રચશે.

(9:03 PM IST)