<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

કાશ્મીરની બરફ વર્ષામાં દેવદૂત બની પહોંચી ભારતીય સેના: ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા વચ્ચે ભારતીય સેનાએ રસ્તો બનાવી ૨૬ વર્ષની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા કુપવાડામાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચારેતરફ બરફની ચાદર છવાયેલી હોવાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. આવા કપરા સમયે ભારતીય સેનાના જવાનો સ્થાનિકો માટે તારણહાર સાબિત થયા છે.

કુપવાડાના એક અંતરિયાળ ગામમાં ૨૬ વર્ષની ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચવું અશક્ય બન્યું હતું. બરફના કારણે રસ્તાઓ બંધ હોવાથી વાહનવ્યવહાર ઠપ હતો. આ અંગેની જાણ થતા જ ભારતીય સેનાની ટુકડી તાત્કાલિક મદદે પહોંચી હતી. 

જવાનોએ ભારે હિમવર્ષામાં પણ ખભા પર સ્ટ્રેચર ઊંચકીને અને બરફ કાપીને મહિલાને સુરક્ષિત રીતે નજીકની હોસ્પિટલ પહોંચાડી હતી. સેનાની આ કામગીરીની સોશિયલ મીડિયા પર ચોમેર પ્રશંસા થઈ રહી છે.

 

(10:40 AM IST)