<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

હવે ગુયાનાની સંસદમાં હિન્દી ભાષાની ગૂંજ: શુદ્ધ હિન્દીમાં મંત્રી વિકાશ રામકિસૂને વિપક્ષને ડિબેટનો પડકાર ફેંક્યો

વિકાશે ગર્જના કરતા કહ્યું-તે કોઈ પણ તૈયારી કે કાગળ વિના સંપૂર્ણ હિન્દીમાં ડિબેટ માટે તૈયાર:સદનમાં હિન્દીમાં તેમની ખુલ્લી ચેલેન્જ સાંભળીને લોકો ચોંકી ઉઠયા:સોશિયલ મીડિયા પર પણ તેમની આ સ્પીચ વાયરલ

ગુયાનાની સંસદમાં હિન્દી ભાષાની ગૂંજ વિશ્વના ખૂણેખૂણે ફેલાઈ ગઈ છે. બજેટ 2026ની ચર્ચા દરમિયાન જ્યારે વિપક્ષે મંત્રી વિકાશ રામકિસૂનની ભાષાની ક્ષમતા પર કટાક્ષ કર્યો તો ભારતીય મૂળના મંત્રી ગરજી ઉઠયા. તેમણે શુદ્ધ હિન્દીમાં વિપક્ષને ડિબેટનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો .

વિકાશે તાલ ઠોકતા દાવો કર્યો કે તે કોઈ પણ તૈયારી કે કાગળ વિના સંપૂર્ણ હિન્દીમાં ડિબેટ માટે તૈયાર છે. સદનમાં હિન્દીમાં તેમની ખુલ્લી ચેલેન્જ સાંભળીને લોકો ચોંકી ઉઠયા અને સોશિયલ મીડિયા પર પણ તેમની આ સ્પીચ વાયરલ થઈ ગઈ. ભારતીય હાઈ કમિશને પણ આને હિન્દી માટે વૈશ્વિક ગૌરવ ગણાવીને પ્રશંસા કરી છે. 

   વિપક્ષના સાંસદ વિષ્ણુ પાંડેએ રામકિસૂનની હિન્દી બોલવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો હતો, પરંતુ તેમને એ ખબ ન હતી કે વિકાશ શુદ્ધ હિન્દીમાં જ બધા સવાલોને ધોઈ નાંખશે. જેવો તેમણે રામકિસૂનના હિન્દી પર સવાલ ઉઠાવ્યો કે તરત જ મંત્રીએ પોતાની ખુરશી પરથી ઊભા થઈને કહ્યું, 'માનનીય અધ્યક્ષ મહોદય, આદરણીય સદસ્ય, માનનીય વિષ્ણુ પાંડે... મૈં અભી ઇસી વક્ત ઉનકો ચુનૌતી દેતા હૂં કિ કિસી ભી સ્તર પર, કિસી ભી જગહ પર જાય કરકે, વિષય વે તય કરેંગે, ઔર મૈં જા કરકે ડિબેટ કરુંગા બિના કાગજ લે કરકે.'

  રામકિસૂને હિન્દીમાં જવાબ આપ્યો, સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ ગંભીર વિષય પર નોટ્સ વિના હિન્દીમાં ચર્ચા કરવા તૈયાર છે. આના પર જ્યોર્જટાઉનમાં ભારતીય હાઈ કમિશને ગર્વથી લખ્યું - ગુયાનાની સંસદમાં ગૂંજી આપણી હિન્દી.' જણાવી દઈએ કે ગુયાનાની 40% વસ્તી ભારતીય મૂળની છે, જેઓ 1838થી 1917ની વચ્ચે ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્યાં ગયા હતા. આજે વિકાશ રામકિસૂન જેવા નેતાઓ તે ગૌરવશાળી પરંપરાનો ચહેરો બની ગયા છે.

વિકાશ રામકિસૂન ગુયાનાના કૃષિ મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. તેમનું શિક્ષણ ભારત સાથે જોડાયેલું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટી (DU) માંથી માસ્ટર ઓફ કોમર્સ (M.Com) અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ બેંકિંગ ક્ષેત્રમાં એક સફળ મેનેજર રહી ચૂક્યા છે અને તેમની પાસે કાયદાની ડિગ્રી (LL.B.) પણ છે.

(1:02 PM IST)