ટ્રમ્પના મુદ્દે પિતા-પુત્રી વચ્ચે જામી ઉગ્ર બોલાચાલી: આવેશમાં આવેલા પિતાએ ૨૩ વર્ષની વ્હાલસોયી દીકરીને છાતીમાં ગોળી મારી: કરુણ મોત
બ્રિટનથી પિતાને મળવા ટેક્સાસ ગયેલી યુવતીનું કરુણ મોત: પિતાનો લૂલો બચાવ- 'બંદૂક બતાવતા સમયે અકસ્માતે ગોળી છૂટી ગઈ

વોશિંગ્ટન: અમેરિકાના ટેક્સાસમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ૨૩ વર્ષની બ્રિટિશ યુવતી લ્યુસી હેરિસનની તેના જ પિતા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમયે રાજકીય મુદ્દે થયેલી ચર્ચા ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી, જેનો અંત આ ભયાનક દુર્ઘટનામાં આવ્યો હતો. પિતાએ આ ઘટનાને અકસ્માત ગણાવી માફી માંગી છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યના પ્રોસ્પર શહેરમાં રજાઓ ગાળવા ગયેલી એક બ્રિટિશ યુવતીનું તેના જ પિતાના હાથે મોત નિપજતા સનસનાટી મચી ગઈ છે. બ્રિટનના વોરિંગ્ટન શહેરની વતની અને મેન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીની સ્નાતક લ્યુસી હેરિસન (ઉંમર ૨૩ વર્ષ) તેના બોયફ્રેન્ડ સેમ લિટલર સાથે ક્રિસમસની રજાઓ માણવા તેના પિતા ક્રિસ હેરિસનના ઘરે ટેક્સાસ ગઈ હતી.
રાજકીય ચર્ચા લોહિયાળ બની: કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, આ ઘટના ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બની હતી. તે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ કાર્યક્રમની ચર્ચા દરમિયાન પિતા અને પુત્રી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. લ્યુસીના બોયફ્રેન્ડ સેમના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના મુદ્દે થયેલો ઝઘડો એટલો વધ્યો હતો કે લ્યુસી અત્યંત દુઃખી થઈને રડતી રડતી ઉપરના માળે પોતાના રૂમમાં જતી રહી હતી.
પિતાનો ચોંકાવનારો બચાવ: આ મામલે પિતા ક્રિસ હેરિસને પોતાના વકીલ મારફતે નિવેદન આપ્યું છે કે તેઓ ટીવી પર ગન ક્રાઈમ (બંદૂકથી થતા ગુના) વિશેનો એક કાર્યક્રમ જોઈ રહ્યા હતા. તે સમયે તેમણે પુત્રીને પૂછ્યું હતું કે 'શું તારે મારી બંદૂક જોવી છે?' જ્યારે લ્યુસીએ હા પાડી ત્યારે તેઓ બેડરૂમમાં ગયા હતા. પિતાના જણાવ્યા મુજબ, જેવી તેમણે કબાટમાંથી ૯ એમએમની ગ્લોક પિસ્તોલ બહાર કાઢી, ત્યારે અચાનક મોટો અવાજ થયો અને ગોળી છૂટી ગઈ જે લ્યુસીની છાતીમાં વાગી હતી.
દારૂનો નશો અને કાયદાકીય કાર્યવાહી: તપાસમાં બહાર આવ્યું છે કે પિતા ક્રિસ હેરિસને તે દિવસે સફેદ વાઈનનો નશો કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે દીકરી વતન પરત જવાની હોવાથી તેઓ ભાવુક હતા અને તેના કારણે તેમણે દારૂ પીધો હતો.
નોંધનીય છે કે અમેરિકાના ટેક્સાસ રાજ્યની જ્યુરીએ આ મામલે પિતા સામે કોઈ ફોજદારી ગુનો ન નોંધવાનો અને ટ્રાયલ ન ચલાવવાનો નિર્ણય લીધો છે.
જોકે, બ્રિટનની કોર્ટમાં આ મામલે અત્યારે સુનાવણી ચાલી રહી છે, જ્યાં પિતાએ પોતાની ભૂલ સ્વીકારી દીકરીના મોત બદલ ઘેરો શોક વ્યક્ત કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
