<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

દુનિયાના તમામ પાંડા પર માત્ર એક જ દેશનો કબજો: જાણો શું છે ચીનની રહસ્યમયી 'પાંડા ડિપ્લોમસી' અને તેના કડક નિયમો

વિશ્વના કોઈપણ ખૂણે પાંડા જન્મે, માલિકી તો ચીનની જ રહેશે; જાપાને તાજેતરમાં જ તેના છેલ્લા બે પાંડા ચીનને પરત સોંપ્યા

બીજિંગ : જો તમે એમ વિચારતા હોવ કે પાંડા એક સ્વતંત્ર જંગલી પ્રાણી છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. દુનિયાના કોઈપણ દેશના પ્રાણી સંગ્રહાલયમાં દેખાતા કાળા-સફેદ 'ગોલુ-મોલુ' પાંડા હકીકતમાં ચીનની મિલકત છે. તાજેતરમાં જાપાને તેના છેલ્લા બે વિશાળ પાંડા ચીનને પરત મોકલ્યા છે, જેનાથી ચીનની 'પાંડા ડિપ્લોમસી' ફરી ચર્ચામાં આવી છે.
શું છે 'પાંડા ડિપ્લોમસી'?
ચીન આ દુર્લભ પ્રાણીનો ઉપયોગ બીજા દેશો સાથે સંબંધો સુધારવા માટે એક રાજદ્વારી હથિયાર તરીકે કરે છે. ચીન કોઈપણ દેશને પાંડા 'ગિફ્ટ' નથી આપતું, પરંતુ 'ભાડે' આપે છે. જ્યારે ચીન કોઈ દેશ સાથે વેપાર કે મિત્રતા વધારવા માંગતું હોય, ત્યારે તે સદ્ભાવનાના પ્રતીક તરીકે પાંડા મોકલે છે. આ પ્રક્રિયાને જ 'પાંડા ડિપ્લોમસી' કહેવામાં આવે છે.
કડક નિયમો અને કરોડોનું ભાડું
ચીન પાસેથી પાંડા લેવા કોઈ રમત વાત નથી. તેના નિયમો અત્યંત કડક છે:
•    વાર્ષિક ફી: જે દેશ પાંડા રાખે છે તેણે ચીનને દર વર્ષે અંદાજે ૭ થી ૮ કરોડ રૂપિયા (૧ મિલિયન ડોલર) ભાડું ચૂકવવું પડે છે.
•    બાળકો પર પણ ચીનનો હક: જો વિદેશમાં રહેતા પાંડાના જોડાને બચ્ચું જન્મે, તો તે બચ્ચું પણ ચીનની જ મિલકત ગણાય છે. અમુક ઉંમર પછી તે બચ્ચાને ચીન પરત મોકલવું અનિવાર્ય છે.
•    મૃત્યુ પર દંડ: જો કોઈ દેશમાં બેદરકારીને કારણે પાંડાનું મૃત્યુ થાય, તો તે દેશે ચીનને કરોડો રૂપિયાનો દંડ અને વળતર ચૂકવવું પડે છે.
શા માટે ચીન આવું કરે છે?
પાંડા માત્ર ચીનમાં જ કુદરતી રીતે જોવા મળે છે. ચીન આ ઈજારાશાહીનો ઉપયોગ પોતાની 'સોફ્ટ પાવર' વધારવા માટે કરે છે. ૧૯૭૨માં અમેરિકા સાથેના સંબંધો સુધારવા માટે ચીને પહેલીવાર પાંડા મોકલ્યા હતા. આજે અમેરિકા, યુરોપ અને એશિયાના અનેક દેશોમાં ચીનના પાંડા 'ગેસ્ટ' તરીકે રહી રહ્યા છે, જે ચીનની તિજોરીમાં કરોડો રૂપિયા ભરે છે.

(3:55 PM IST)