હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશી પ્રવાસીઓને હવે વિદેશમાં પણ 'રેલવે' વહાલી: સ્વિસ ટ્રાવેલ પાસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે; યુરોપ અને જાપાનમાં ટ્રેન સફરનો જબરદસ્ત ક્રેઝ
મોંઘા યુરો અને નબળા રૂપિયા વચ્ચે 'રેલ પાસ' બન્યો પ્રવાસીઓનું હથિયાર; બાળકો સાથે ફેમિલી ટ્રીપ કરનારા ભારતીયોની સંખ્યામાં 8% નો વધારો

રાજકોટ : ભારતીય પ્રવાસીઓ હવે વિદેશ જઈને માત્ર ફ્લાઈટ્સ કે ટેક્સી પર નિર્ભર રહેવાને બદલે પાટા પર દોડતી ટ્રેનોને વધુ પસંદ કરી રહ્યા છે. તાજેતરના ૨૦૨૫ના ડેટા મુજબ, યુરોપ અને એશિયાના દેશોમાં ટ્રેન પાસ બુક કરાવવામાં ભારતીયોએ નવો વિક્રમ સર્જ્યો છે. ખાસ કરીને સ્વિસ ટ્રાવેલ પાસ ખરીદવામાં ભારતીય પ્રવાસીઓ અમેરિકા પછી વિશ્વમાં બીજા સ્થાને આવી ગયા છે.
બજેટનું ગણિત અને મુસાફરીની આઝાદી
હાલમાં યુરો ૧૦૦ રૂપિયા અને સ્વિસ ફ્રેંક ૧૧૦ રૂપિયાને પાર કરી ગયા છે, ત્યારે ભારતીય પ્રવાસીઓ મુસાફરીના ખર્ચને અગાઉથી નક્કી કરવા માટે 'રેલ પાસ'નો સહારો લઈ રહ્યા છે. 'યુરેલ' (Eurail) ના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ભારતીયો હવે એવી પ્રોડક્ટ્સ પસંદ કરી રહ્યા છે જેમાં ખર્ચ નિશ્ચિત હોય અને મુસાફરી દરમિયાન પ્લાન બદલવાની આઝાદી મળે. ભારત અત્યારે યુરેલ પાસ માટે વિશ્વનું ચોથું સૌથી મોટું માર્કેટ બની ગયું છે.
પરિવારો અને બેકપેકર્સની પહેલી પસંદ
રસપ્રદ વાત એ છે કે, માત્ર એકલા ફરતા યુવાનો જ નહીં, પણ નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોમાં પણ રેલવેનો ટ્રેન્ડ વધ્યો છે. ૨૦૨૩ થી ૨૦૨૫ વચ્ચે 'ચાઇલ્ડ પાસ' કેટેગરીમાં ૮% ની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. સ્વિસ ટ્રાવેલ પાસ માત્ર ટ્રેન જ નહીં, પણ ગ્લેશિયર ૩૦૦૦ જેવા આકર્ષણો, મ્યુઝિયમ્સ અને કેબલ કારમાં પણ મફત અથવા ડિસ્કાઉન્ટ એક્સેસ આપે છે, જે ભારતીયો માટે 'વેલ્યુ ફોર મની' સોદો સાબિત થઈ રહ્યો છે.
જાપાનમાં પણ ભારતીય ટ્રેનનો દબદબો
માત્ર યુરોપ જ નહીં, એશિયામાં જાપાન પણ ભારતીયોનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. ૨૦૨૫માં જાપાન પહોંચતા ભારતીયોની સંખ્યા ૩.૧૫ લાખને પાર કરી ગઈ છે, જે ૨૦૧૯ની સરખામણીએ ૮૦% વધુ છે. ભારતીયો હવે ટોક્યો અને ઓસાકા જેવા રૂટ છોડીને જાપાનના અંતરિયાળ વિસ્તારોમાં 'ક્યુશુ રેલ પાસ' (Kyushu Rail Pass) નો ઉપયોગ કરીને પણ મુસાફરી કરી રહ્યા છે.
સીઝન અને રૂટમાં ફેરફાર
અગાઉ ભારતીયો માત્ર ઉનાળામાં જ યુરોપ જવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે પાનખર અને શિયાળાની ઋતુમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ હવે ફ્રાન્સ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડને જોડીને 'મલ્ટી-કન્ટ્રી' રેલ ટ્રિપ્સનું આયોજન કરી રહ્યા છે. જોકે, કેટલાક એશિયન દેશોમાં શાકાહારી ભોજનની ઉપલબ્ધતા હજુ પણ એક નાનો પડકાર બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
