દક્ષિણ કોરિયામાં હવે ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોનો દબદબો વધશે: STEM વિદ્યાર્થીઓ માટે 'રેડ કાર્પેટ' પાથરતા K-STAR વિઝામાં મોટો ફેરફાર
વર્ષે 600 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સીધું જ રેસીડેન્સી વિઝા આપવાનું લક્ષ્ય; ટેકનોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે વર્કફોર્સની અછત પૂરી કરવા કોરિયન સરકારનો માસ્ટરપ્લાન

સીઓલ : દક્ષિણ કોરિયા હવે માત્ર સેમસંગ કે હ્યુન્ડાઈ માટે જ નહીં, પણ વિદેશી ટેલેન્ટને સાચવવા માટે પણ જાણીતું બનશે. ઘટતી જતી વસ્તી અને કુશળ કામદારોની અછતનો સામનો કરી રહેલું દક્ષિણ કોરિયા હવે આંતરરાષ્ટ્રીય STEM (Science, Technology, Engineering, Mathematics) વિદ્યાર્થીઓને પોતાના દેશમાં જ રોકી રાખવા માટે વિઝાના નિયમોમાં ધરખમ છૂટછાટ આપી રહ્યું છે.
K-STAR વિઝા: સફળતાનો નવો પાસપોર્ટ
દક્ષિણ કોરિયાએ તેના મહત્વાકાંક્ષી 'K-STAR' વિઝા પ્રોગ્રામનો વ્યાપ અનેકગણો વધારી દીધો છે. આ અંતર્ગત કોરિયામાં વિજ્ઞાન કે એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કે ડોક્ટરેટ કરનાર વિદ્યાર્થીઓ હવે તેમના યુનિવર્સિટી પ્રમુખની ભલામણથી સીધા જ F-2 રેસીડેન્સી વિઝા મેળવી શકશે. ન્યાય મંત્રાલયે આ કાર્યક્રમ માટે લાયક સંસ્થાઓની સંખ્યા 5 થી વધારીને 32 કરી દીધી છે, જેનાથી ભારતીય સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કાયમી વસવાટના દ્વાર ખૂલી ગયા છે.
ભાષાના અવરોધો દૂર અને ઇન્ટર્નશીપમાં છૂટછાટ
વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં સરળતા રહે તે માટે સરકારે કોરિયન ભાષાના નિયમો પણ હળવા કર્યા છે. અગાઉ કોર્પોરેટ સંશોધન સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ માટે લેવલ 4 ની ભાષા જાણવી જરૂરી હતી, જે હવે ઘટાડીને લેવલ 2 કરી દેવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે વહેલી તકે વ્યાવસાયિક અનુભવ મેળવી શકશે.
પ્રાદેશિક વિકાસ પર વિશેષ ધ્યાન
કોરિયન સરકાર માત્ર પાટનગર સીઓલ જ નહીં, પણ દેશના અન્ય પ્રાંતોમાં પણ વિદેશી ટેલેન્ટને સ્થાયી કરવા માંગે છે. આ માટે ખાસ 'રીજનલ વિઝા પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્થાનિક જરૂરિયાતો મુજબ વિઝાની શરતો નક્કી કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને ગ્રામીણ કે અન્ય વિકાસશીલ વિસ્તારોમાં આકર્ષક નોકરીઓ અને રહેઠાણના લાભ મળી શકે.
એશિયાનું નવું ટેક-હબ બનવાની તૈયારી
ન્યાય મંત્રાલયના ડિરેક્ટર લી હ્યાંગ-સૂકે જણાવ્યું હતું કે, "અમે આશા રાખીએ છીએ કે આ ફેરફારથી દર વર્ષે ઉચ્ચ કક્ષાના સંશોધનકારોની સંખ્યા 100 થી વધીને 600 સુધી પહોંચશે. અમારો ધ્યેય દક્ષિણ કોરિયાને વૈશ્વિક વિજ્ઞાન અને ટેકનોલોજી પાવરહાઉસ બનાવવાનો છે." આર્થિક સંસાધન તરીકે જોવામાં આવતા આ વિદેશી વિદ્યાર્થીઓ હવે કોરિયાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઈ-ટેક ઉદ્યોગોને નવી ઊંચાઈ પર લઈ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
