તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
ભારત-ચીન સંબંધોમાં નવી ઉષ્મા: વિઝા પ્રક્રિયા સરળ બનશે અને આકાશમાં ફરી ગુંજશે વિમાનોની ગર્જના; કૈલાશ માનસરોવર યાત્રાનો વ્યાપ વધારવા પર ભાર
નવી દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને ફરી પાટા પર લાવવા અને વેપાર-પ્રવાસના અવરોધો દૂર કરવા પર બંને દેશો સહમત

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ હવે રાજદ્વારી સ્તરે બરફ ઓગળતો જણાય છે. મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી એક અત્યંત મહત્વની બેઠકમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને ચીનના કાર્યકારી ઉપ વિદેશ મંત્રી મા ઝાઓક્સુ વચ્ચે 'વ્યૂહાત્મક સંવાદ' યોજાયો હતો. આ બેઠક માત્ર ઔપચારિક ન રહેતા, બંને દેશો વચ્ચેના સંબંધોને સ્થિર કરવા માટેના 'રોડમેપ' સમાન સાબિત થઈ છે.
વિઝા અને હવાઈ સેવાઓ માટે મોટા સમાચાર
આ બેઠકનો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાનો રહ્યો છે. લાંબા સમયથી બંને દેશો વચ્ચે પ્રવાસ અને વ્યાપારી વિઝા મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, જેના ઉકેલ માટે હવે વ્યવહારુ પગલાં લેવા પર સહમતી બની છે. આ ઉપરાંત, ભારત અને ચીન વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી શરૂ કરવા માટે 'એર સર્વિસીસ કરાર'ને અપડેટ કરવાની તાતી જરૂરિયાત સ્વીકારવામાં આવી છે. જો આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે, તો ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચેના આકાશમાં ફરીથી પેસેન્જર ફ્લાઈટ્સ ઉડતી જોવા મળશે.
કૈલાશ માનસરોવર યાત્રાનો વધશે વ્યાપ
શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કૈલાશ માનસરોવર યાત્રાના સફળ પુનઃ પ્રારંભની પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં આ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા અને સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવશે. આ પગલું લોકો-થી-લોકોના સંપર્ક (People-to-People contact) વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સરહદે શાંતિ અને UNSCમાં ભારતનો દાવો
બેઠક દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હતું કે એકંદર દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે. બીજી તરફ, ચીને પણ સકારાત્મક વલણ દાખવતા જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતની કાયમી સભ્યપદની આકાંક્ષાઓને સમજે છે અને તેનું સન્માન કરે છે.
BRICS અને ભવિષ્યનું આયોજન
ભારત આ વર્ષે બ્રિક્સ (BRICS) ની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે ચીને આ સમિટને સફળ બનાવવા માટે ભારતના નેતૃત્વને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. દ્વિપક્ષીય વેપારમાં રહેલી ચિંતાઓને દૂર કરવા અને આર્થિક જોડાણને મજબૂત કરવા માટે બંને પક્ષોએ રાજકીય અને વ્યૂહાત્મક દિશામાં આગળ વધવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ બેઠક એ વાતનો સંકેત છે કે એશિયાના આ બે દિગ્ગજ દેશો હવે ટકરાવ છોડીને સહયોગના માર્ગે આગળ વધવા આતુર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
