<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

થાઈલેન્ડમાં નરાધમ પૂર્વ પોલીસ અધિકારીનો કહેર : ડે-કેયર સેન્ટરમાં અંધાધૂંધ ગોળીબાર કરી ૨૨ માસૂમ બાળકો સહિત ૩૪ની નિર્મમ હત્યા

દેશના ઈતિહાસની સૌથી ભયાનક શૂટિંગની ઘટનાથી વિશ્વભરમાં અરેરાટી : દક્ષિણ થાઈલેન્ડની શાળામાં પણ ફાયરિંગ કરી ૧૮ વર્ષના યુવકે મહિલા કર્મચારીને બંધક બનાવી

બેંગકોક  : થાઈલેન્ડમાં આતંક અને દહેશતની બે અલગ-અલગ ઘટનાઓએ સમગ્ર માનવજાતને હચમચાવી દીધી છે. એક પૂર્વ પોલીસ અધિકારીએ ડે-કેયર સેન્ટરમાં ઘૂસીને માસૂમ બાળકો અને પુખ્ત વયના લોકો પર કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં કુલ ૩૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ હુમલામાં ૨૨ જેટલા નાના બાળકોનો ભોગ લેવાતા સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ડે-કેયર સેન્ટરમાં લોહીની હોળી
થાઈલેન્ડના ઇતિહાસની સૌથી ઘાતક અને ભયાનક ઘટના તરીકે જોવામાં આવતા આ કિસ્સામાં, એક પૂર્વ પોલીસ અધિકારીએ ડે-કેયર સેન્ટરને નિશાન બનાવ્યું હતું. આરોપીએ સેન્ટરની અંદર ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં ૨૨ માસૂમ બાળકો અને ૧૨ વયસ્કોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, માસ શૂટિંગની આ ઘટનાએ લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ પેદા કર્યો છે. પોલીસ હાલ આ હુમલા પાછળનો હેતુ અને મનસુબો જાણવા માટે તપાસ કરી રહી છે.
શાળામાં હુમલો અને બંધક બનાવવાની ઘટના
આ ભયાનક હત્યાકાંડની સાથે જ દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈ વિસ્તારની એક શાળામાં પણ હિંસક ઘટના બની છે. અહીં એક ૧૮ વર્ષના યુવકે શાળામાં અચાનક ફાયરિંગ કરીને બે લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આટલું જ નહીં, હુમલાખોર યુવકે શાળાની એક મહિલા કર્મચારીને બંદૂકની અણીએ બંધક બનાવી લેતા પરિસ્થિતિ ગંભીર બની હતી.
થાઈલેન્ડમાં એક જ દિવસમાં બનેલી આ બે મોટી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને પૂર્વ પોલીસ કર્મચારી દ્વારા આટલી મોટી સંખ્યામાં નિર્દોષ બાળકોની હત્યા કરવામાં આવતા સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(5:37 PM IST)