એપ્સ્ટેઈન ફાઈલ પર હરદીપ પુરીનો પલટવાર: "હા, હું મળ્યો હતો પણ સત્ય કંઈક અલગ છે" : રાહુલ ગાંધીના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા
ન્યૂયોર્કમાં રાજદૂત તરીકેની મુલાકાતોને વિવાદમાં ઢસેડવાનો પ્રયાસ: કેન્દ્રીય મંત્રીએ સંસદમાં રાહુલ ગાંધીની ‘આંખ મીંચકારવાની’ ઘટનાનો પણ કર્યો ઉલ્લેખ: "મેં નોંધો મોકલી હોવા છતાં જૂઠાણું ફેલાવાઈ રહ્યું છે"

નવી દિલ્હી: અમેરિકાના કુખ્યાત જેફરી એપ્સ્ટેઈન કેસના દસ્તાવેજોએ અત્યારે ભારતીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એપ્સ્ટેઈન ફાઈલમાં હરદીપ સિંહ પુરીના નામનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વળતો પ્રહાર કર્યો હતો. પુરીએ સ્પષ્ટ કર્યું કે તેઓ જેફરી એપ્સ્ટેઈનને મળ્યા હતા, પરંતુ તે મુલાકાત વર્ષ 2009માં થઈ હતી જ્યારે તેઓ ન્યૂયોર્કમાં ભારતના રાજદૂત હતા. આ મુલાકાત કોઈ વ્યક્તિગત સંબંધોને કારણે નહીં, પરંતુ 'ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ' (IPI) ના એક સત્તાવાર પ્રતિનિધિમંડળના ભાગરૂપે થઈ હતી. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને પાયાવિહોણા આરોપો લગાવવાની જૂની આદત છે.
હરદીપ પુરીએ સંસદના સેન્ટ્રલ હોલમાં બનેલી એક રસપ્રદ ઘટનાનો પણ પર્દાફાશ કર્યો. તેમણે જણાવ્યું કે 26 નવેમ્બર, 2025ના રોજ બંધારણ દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધી તેમની પાસે આવ્યા હતા અને આંખ મીંચીને કટાક્ષમાં કહ્યું હતું કે, "તમારું નામ એક રસપ્રદ જગ્યાએ (એપ્સ્ટેઈન લિસ્ટમાં) દેખાયું છે." મંત્રીએ ત્યારે જ તેમને સત્ય જાણવા માટે પૂછ્યું હતું અને બાદમાં તમામ હકીકતો અને પુરાવા સાથેની નોંધો રાહુલ ગાંધીને મોકલી આપી હતી. પુરીએ અફસોસ વ્યક્ત કર્યો કે સત્ય જાણતા હોવા છતાં રાહુલ ગાંધીએ ગૃહમાં તેમના પર જૂઠા આરોપો લગાવ્યા અને વિદેશી નેતાઓના ભ્રમમાં રહીને દેશની છબી ખરડવાનો પ્રયાસ કર્યો.
પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે આઠ વર્ષ પહેલા જ્યારે તેઓ મંત્રી પણ નહોતા, ત્યારે ત્રણ કે ચાર બેઠકોના સંદર્ભો ઈમેઈલ્સમાં છે, જે સંપૂર્ણપણે જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. તેમણે 'મેક ઇન ઇન્ડિયા' અને ભારતીય અર્થવ્યવસ્થાની તકો વિશે તે સમયે વાત કરી હતી. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પુરીએ કહ્યું કે જે નેતા ભારતને "મૃત અર્થતંત્ર" કહે છે તેમણે પહેલા શબ્દકોશ જોવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે દેશ અત્યારે વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજા સ્થાને પહોંચશે, જ્યારે વિપક્ષી નેતા માત્ર "મનોરંજન મૂલ્ય" ધરાવતા નિવેદનો આપીને સંસદની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
